SURAT NEWS: સુરત શહેરમાં ફરી એકવાર હાઈપ્રોફાઈલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેરના અઠવા વિસ્તારમાં આવેલી નાનપુરા પોસ્ટ ઓફિસમાં કુરિયર (પાર્સલ) મારફતે મંગાવવામાં આવેલા ડ્રગ્સના જથ્થા સાથે મદ્રાસ (ચેન્નાઈ) પોલીસે સુરતના એક પોશ વિસ્તારના યુવકની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની આકરી પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી બાદ તેને કોર્ટના હુકમથી લાજપોર જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસને પગલે સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
મદ્રાસ એરપોર્ટથી કનેક્શન ખુલ્યું, પોલીસ બે દિવસથી સુરતમાં ડેરા નાખી પડી હતી
આ સમગ્ર હાઈપ્રોફાઈલ ડ્રગ્સ કેસની વિગત એવી છે કે, થોડા દિવસો પહેલાં મદ્રાસ પોલીસે મદ્રાસ એરપોર્ટ પરથી એક શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો. આ યુવકની તલાશી લેતા તેની પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જ્યારે તેની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટનો ખુલાસો થયો હતો. પકડાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે ડ્રગ્સનો એક જથ્થો કુરિયર/પોસ્ટ મારફતે સુરત ખાતે રહેતા એક યુવકને મોકલાવ્યો છે. આ ચોંકાવનારી માહિતીના આધારે મદ્રાસ પોલીસની એક ખાસ ટીમ છેલ્લા બે દિવસથી સુરતમાં ધામા નાખીને ઓપરેશન ચલાવી રહી હતી.
નાનપુરા પોસ્ટ ઓફિસના પાર્સલ પરથી મળ્યું સુરતનું એડ્રેસ
તપાસ દરમિયાન મદ્રાસ પોલીસ સુરતના અઠવા વિસ્તારમાં આવેલી નાનપુરા પોસ્ટ ઓફિસ ખાતે પહોંચી હતી. જ્યાં તપાસ કરતા એક શંકાસ્પદ પાર્સલ મળી આવ્યું હતું. આ પાર્સલની તપાસ કરતા તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ પાર્સલ ઉપર સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ પર રહેતા યશ દિનેશભાઈ છાબરા નામના યુવકનું નામ, સરનામું અને તેનો મોબાઈલ નંબર લખેલો હતો. ડ્રગ્સ મંગાવનારની પાકી ઓળખ થતાં જ પોલીસે છટકું ગોઠવ્યું હતું.
મોબાઈલ નંબરના આધારે યશ છાબરાની ધરપકડ અને જેલ હવાલે
પાર્સલ પર લખેલા મોબાઈલ નંબર અને લોકેશન ટ્રેસ કરીને મદ્રાસ પોલીસે ઘોડદોડ રોડના યુવક યશ દિનેશભાઈ છાબરાને દબોચી લીધો. ડ્રગ્સના આંતરરાજ્ય કનેક્શન બદલ આરોપી યશ સામે નાનપુરા (અઠવા) પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી ધરપકડ કર્યા બાદ નિયમ મુજબ આરોપી યુવકની સઘન મેડિકલ તપાસ કરવામાં આવી હતી કે તે પોતે પણ ડ્રગ્સ કન્ઝ્યુમ કરે છે કે ત્યારબાદ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ સુરતની ખ્યાતનામ લાજપોર જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો છે.
સ્થાનિક નેટવર્કની તપાસ તેજ
પોસ્ટ ઓફિસ મારફતે ડ્રગ્સ મંગાવવાની આ અનોખી મોડસ ઓપરેન્ડી સામે આવ્યા બાદ સુરત પોલીસ અને મદ્રાસ પોલીસ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. ઘોડદોડ રોડનો આ યુવક માત્ર પોતાના નશા માટે આ ડ્રગ્સ મંગાવતો હતો કે પછી સુરતના અન્ય ધનિક નશાખોર યુવકો કે કોલેજિયન વિદ્યાર્થીઓને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા માથાના નામ ખુલે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.




