Gujarat Ni Vaat

“ફોટા વાઈરલ કરી દઈશ…” કહી પરિણીતાનું વર્ષો સુધી શારીરિક શોષણ કરનાર બોપલનો આરોપી જેલભેગો

Share On :

અમદાવાદ શહેરમાં મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓને ડામી દેવા અને પીડિતોને ત્વરિત ન્યાય અપાવવા માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે. આ અંતર્ગત અમદાવાદ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોપલ વિસ્તારમાં રહેતા જય પ્રમુખભાઈ પટેલ નામના શખ્સ સામે એક પરિણીત મહિલાએ લગ્નની ખોટી લાલચ આપી, બ્લેકમેલ કરીને વર્ષો સુધી શારીરિક શોષણ અને દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. ભોગ બનનાર પરિણીતાની ફરિયાદ અનુસાર, ઈરાદો માત્ર શારીરિક શોષણ કરવાનો જ હતો, જેના કારણે તેણે પરિણીતાના કેટલાક અંગત ફોટોગ્રાફ્સ અને સંવેદનશીલ વિડિયો પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા.

અનેક શહેરોમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ

આરોપી જય પ્રમુખભાઈ પટેલની હેવાનિયત અહીં જ ન અટકી, તેણે પરિણીતાને ડરાવી-ધમકાવીને માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ ગુજરાત બહાર રાજસ્થાન અને દેશની રાજધાની દિલ્હી સહિતના અલગ-અલગ શહેરોમાં તેમજ ધાર્મિક અને પ્રવાસી સ્થળોએ લઈ ગયો હતો. આ તમામ સ્થળોએ આરોપીએ પરિણીતાની મરજી વિરુદ્ધ અને લગ્નની લાલચ આપીને વર્ષો સુધી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતા જ્યારે પણ આ સંબંધનો વિરોધ કરતી, ત્યારે આરોપી તેના અંગત ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને સમાજમાં બદનામ કરવાની ગંભીર ધમકીઓ આપતો હતો.

પતિને અંગત ફોટા મોકલી સંબંધ તોડાવવાનો પ્રયાસ

સમય જતાં આરોપીની હિંમત વધતી ગઈ અને તેણે પરિણીતાનું વૈવાહિક જીવન બરબાદ કરવાનો હીન પ્રયાસ કર્યો. આરોપી જય પટેલે પરિણીતાના પતિના મોબાઈલ નંબર પર પત્નીના અંગત અને આપત્તિજનક ફોટા મોકલી આપ્યા હતા. આ કૃત્ય પાછળ આરોપીનો આશય પરિણીતાના લગ્નજીવનમાં ભંગાણ પડાવવાનો અને તેને સમાજમાં ભયંકર રીતે બદનામ કરવાનો હતો. આ સતત માનસિક ત્રાસ, શારીરિક શોષણ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી કાયદાનો આશરો લીધો છે.

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક પરિણીતા દ્વારા બોપલના જય પ્રમુખભાઈ પટેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી અમદાવાદ, રાજસ્થાન અને દિલ્હી ખાતે લઈ જઈ વર્ષો સુધી શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, મહિલાના અંગત ફોટા તેના પતિને મોકલીને બ્લેકમેલ કરવાનો અને બદનામ કરવાનો પણ પ્રયાસ કર્યો છે. પોલીસે આ મામલે ધમકી, શારીરિક શોષણ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી લીધો છે. આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે અને કાયદાના દાયરામાં રહીને કડક સજા થાય તેવા તમામ પગલાં લેવામાં આવશે.”

પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી અને ગુનો દાખલ:

પરિણીતાની સવિસ્તાર ફરિયાદના આધારે ઇસનપુર પોલીસે આરોપી જય પ્રમુખભાઈ પટેલ (રહે. બોપલ, અમદાવાદ) સામે ભારતીય ન્યાય સંહિતા અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. આરોપી સામે મુખ્યત્વે લગ્નની ખોટી લાલચ આપી, બ્લેકમેલ કરી શારીરિક અને માનસિક શોષણ કરી જાનથી મારી નાખવાની કે બદનામ કરવાની ધમકી આપવી, સોશિયલ મીડિયા કે ડિજિટલ માધ્યમથી અંગત ફોટાનો દુરુપયોગ કરી મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવી, વગેરે બાબતો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.