Gujarat Ni Vaat

નામ, રહેઠાણ અને હિસાબ… સુરત પોલીસે 150થી વધુ આરોપીઓનો નવો ડેટાબેઝ તૈયાર કર્યો!

Share On :

SURAT NEWS: સુરત શહેરમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને ગુન્હેગારી પર અસરકારક નિયંત્રણ મેળવવા સુરત શહેર પોલીસે પ્રિવેન્ટિવ એક્શન મોડ અંતર્ગત વિશાળ કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાન હેઠળ શહેરના વિવિધ ઝોનમાં ભૂતકાળમાં ગુન્હામાં ઝડપાયેલા તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા એક હજારથી વધુ આરોપીઓ સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આ વિશાળ કાર્યવાહી સુરત શહેરના ઝોન 1 થી ઝોન 7 સુધીની તમામ પોલીસ સ્ટેશનોની હદમાં એકસાથે અમલમાં મૂકવામાં આવી હતી. ખાસ કરીને અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમની વિગતવાર ચકાસણી તથા રેકોર્ડ અપડેટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પ્રિવેન્ટિવ એક્શનનો મુખ્ય હેતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત બનાવવાનો છે તથા ભવિષ્યમાં સંભવિત ગુનાખોરીને અટકાવવાનો છે. ખાસ કરીને આવા આરોપીઓ પર નજર રાખવામાં આવી રહી છે, જેમનો ભૂતકાળ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છે.આ કાર્યવાહીમાં મુખ્યત્વે તેવા આરોપીઓ સામે પગલાં લેવાયા છે, જે ધારિયા, તલવાર, ચપ્પુ જેવા ઘાતક હથિયાર સાથે ફરતા હતા અને જાહેર સુરક્ષા માટે જોખમરૂપ બનતા હતા. આવા આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાયદેસર અટકાયતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઉપરાંત, ડ્રગ્સ સંબંધિત કેસોમાં ઝડપાયેલા 150થી વધુ આરોપીઓ સામે પણ પ્રિવેન્ટિવ પગલાં લેવામાં આવ્યા છે. પોલીસનું કહેવું છે કે શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરફેર અને વપરાશ પર નિયંત્રણ લાવવા માટે આવી કાર્યવાહી અત્યંત જરૂરી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, તમામ આરોપીઓના નામ, રહેઠાણ, વ્યવસાયસ્થળ તથા તેમની અગાઉની ગુનાહિત પ્રવૃત્તિઓની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ માહિતીના આધારે એક મજબૂત ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે, જે ભવિષ્યમાં પોલીસ માટે ગુનાખોરી રોકવામાં ઉપયોગી સાબિત થશે.

સુરત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે. આવા પ્રિવેન્ટિવ પગલાં દ્વારા ગુનાખોરોને કડક સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કોઈપણ સ્થિતિમાં સહન કરવામાં નહીં આવે. આ સમગ્ર અભિયાન દરમિયાન પોલીસ દળ દ્વારા સંકલિત રીતે કામગીરી કરવામાં આવી હતી અને તમામ ઝોનના પોલીસ સ્ટેશનોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આવા પ્રિવેન્ટિવ એક્શન ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. સુરત પોલીસનું આ પગલું શહેરમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે અને સ્થાનિક સ્તરે તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.