Gujarat Ni Vaat

પ્રેમ લગ્નનો આકરો અંજામ! સુરતના ઉમિયાધામ અતિથિ ગૃહમાં આપઘાત કરનાર મહિલાની લાશ સ્વીકારવા પિયર-સાસરીયાનો ઇનકાર

Share On :

SURAT NEWS: સુરત શહેરના ઉમિયાધામ મંદિરના અતિથિ ગૃહમાં એક મહિલાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ગંભીર અને કરુણ ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલાએ પોતાની બે વર્ષની નાની દીકરી સામે જ જીવન અંત કરી દીધું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન પરિસ્થિતિઓ બદલાતાં અને વ્યક્તિગત જીવનમાં અનેક તણાવ ઉભા થતાં અંતે તેણે આ પગલું ભર્યું હતું. ઘટનાના થોડા સમય પહેલાં, લગભગ ચાર મહિના અગાઉ, તેના પતિનું અવસાન થયું હતું, જેના કારણે તે માનસિક રીતે વધુ તણાવમાં હતી તેવી ચર્ચા છે.

ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સૌથી વધુ કરુણ પરિસ્થિતિ એ બની છે કે મહિલાના મૃતદેહને ત્રણ દિવસથી સ્મીમેર હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પક્ષ દ્વારા લાશ સ્વીકારવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિયર પક્ષે અગાઉથી જ સંબંધ તોડી નાખ્યો હતો. દીકરીના લગ્નના નિર્ણયથી નારાજ પિતા સહિતના પરિવાપરિવારજનો લાંબા સમયથી સંપર્કમાં નહોતા. ઘટનાની જાણ થતાં પોલીસે પિયર પક્ષને સંપર્ક કર્યો હતો, પરંતુ પિતાએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.

બીજી તરફ, સાસરી પક્ષ તરફથી પણ પરિસ્થિતિ ગંભીર છે. મહિલાના સાસુ-સસરા હયાત નથી અને જેઠ સહિતના સગાઓએ પણ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે બંને પક્ષો તરફથી અસ્વીકાર થતા સમગ્ર મામલો વધુ જટિલ બની ગયો છે. મહિલાની બે વર્ષની માસૂમ દીકરી હાલ સુરક્ષિત છે અને તેની સંભાળ અંગેની વ્યવસ્થા પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા વિચારણા હેઠળ છે. બાળકના ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય માટે તંત્ર સક્રિય બન્યું છે.

સ્થાનિક પોલીસ દ્વારા બંને પક્ષોને સમજાવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સમાજમાં માનવતા અને જવાબદારીના આધાર પર મૃતદેહ સ્વીકારવા માટે સમજાવટ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ પક્ષે જવાબદારી સ્વીકારી નથી. આ ઘટનાએ શહેરમાં સંવેદનશીલતા જગાવી છે. પ્રેમ લગ્ન, પરિવારિક વિખવાદ અને માનસિક તણાવના સંયોજનથી સર્જાયેલી આ ઘટના સમાજ માટે ચિંતાજનક સંકેત તરીકે જોવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા પણ આવી પરિસ્થિતિઓમાં માનસિક સહાય અને પરિવાર સમજૂતીની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી ચાલુ છે અને મૃતદેહ અંગે યોગ્ય નિર્ણય માટે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.