બ્રહ્માંડ અનંત રહસ્યોથી ભરેલું છે, અને ખગોળીય ઘટનાઓ હંમેશા માનવજાત માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. 2027નું વર્ષ ખગોળશાસ્ત્રના ચાહકો માટે સુવર્ણ અક્ષરે લખાશે. 2 ઓગસ્ટ 2027ના રોજ થનારું સૂર્યગ્રહણ કોઈ સામાન્ય ગ્રહણ નથી, પરંતુ તેને ‘સદીનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ’ માનવામાં આવી રહ્યું છે. આ દિવસે ચંદ્ર સૂર્યને એટલા લાંબા સમય સુધી ઢાંકશે કે પૃથ્વીના અનેક ભાગોમાં દિવસ દરમિયાન ઘોર અંધકાર છવાઈ જશે અને રાત્રિ જેવો માહોલ સર્જાશે.
સૂર્યગ્રહણ એટલે શું?
સૂર્યગ્રહણ એ એક ભૌતિક અને ખગોળીય સ્થિતિ છે. જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય છે, ત્યારે ચંદ્ર સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા રોકે છે. આ સ્થિતિમાં પૃથ્વી પર ચંદ્રનો પડછાયો પડે છે, જેને આપણે સૂર્યગ્રહણ કહીએ છીએ. 2027માં થનારું ગ્રહણ ‘પૂર્ણ સૂર્યગ્રહણ’ હશે, જેમાં ચંદ્ર સૂર્યના આખા ગોળાને ઢાંકી દેશે.
ભારતમાં દેખાશે કે નહીં?
ભારતના ખગોળ પ્રેમીઓ માટે આ સમાચાર મિશ્ર પ્રતિસાદ લાવશે. આ ગ્રહણનો ‘પૂર્ણ’ નજારો ભારતમાં જોવા મળશે નહીં. ભારતમાં આ એક આંશિક સૂર્યગ્રહણ તરીકે દેખાશે. એટલે કે ભારતમાં સૂર્ય સંપૂર્ણપણે ઢંકાશે નહીં, પરંતુ તેનો કેટલોક ભાગ ચંદ્રની પાછળ છુપાયેલો જોવા મળશે. જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં આ દ્રશ્ય વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાશે.
કયા દેશોમાં જોવા મળશે ‘સદીનો નજારો’?
આ ઐતિહાસિક સૂર્યગ્રહણનો શ્રેષ્ઠ નજારો મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકાના દેશોમાં જોવા મળશે. ઈજિપ્ત, સાઉદી અરેબિયા, સ્પેન અને લિબિયા જેવા દેશોમાં જોવા મળશે.
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને અભ્યાસ
વિશ્વભરની સ્પેસ એજન્સીઓ, જેમાં નાસા અને ઈસરોના વૈજ્ઞાનિકો પણ સામેલ છે, આ ઘટના માટે અત્યારથી જ આતુર છે. સૂર્યગ્રહણ દરમિયાન સૂર્યના બાહ્ય વાતાવરણ એટલે કે ‘કોરોના’નો અભ્યાસ કરવો સરળ બને છે. કોરોનામાંથી નીકળતી ગરમી અને ચુંબકીય તરંગો પૃથ્વીના સંચાર માધ્યમોને કેવી રીતે અસર કરે છે, તે જાણવા માટે વૈજ્ઞાનિકો આ 6 મિનિટનો ભરપૂર ઉપયોગ કરશે. આ ગ્રહણ માનવ ઇતિહાસની એક યાદગાર ક્ષણ બની રહેશે. તે માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પરંતુ કુદરતની ભવ્યતા અને બ્રહ્માંડની શક્તિનું જીવંત ઉદાહરણ છે.



