SURAT NEWS: યુવાધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સામે સુરત શહેર પોલીસ કમિશનરશ્રીની કડક સૂચના હેઠળ ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને એક મોટી સફળતા મળી છે. સુરતના લક્ઝુરિયસ અને શાંત ગણાતા અડાજણ વિસ્તારમાંથી SOG પોલીસે આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતો અતિ આધુનિક ‘હાઇબ્રિડ ગાંજો’ ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચોક્કસ બાતમીના આધારે અડાજણમાં દરોડો
સુરત SOG પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન એક સચોટ અને ખાનગી બાતમી મળી હતી કે, અડાજણ વિસ્તારમાં એક ઇસમ નશીલા પદાર્થની મોટી ડીલ કરવા માટે મસમોટો જથ્થો લઈને આવી રહ્યો છે અને તે સ્થાનિક સ્તરે તેનું નેટવર્ક ફેલાવવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે SOG ની ટીમે વોચ ગોઠવીને અડાજણ ખાતેથી શંકાસ્પદ હાલતમાં એક યુવકને ઝડપી લીધો હતો. પકડાયેલા આરોપીની સઘન તલાશી લેતા તેની પાસેથી આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ. 17,39,000/- કિંમતનો હાઇબ્રિડ ગાંજો જપ્ત કરી લીધો છે.
રત્નકલાકાર બન્યો ડ્રગ્સ પેડલર: વિદેશી કનેક્શનની આશંકા
પોલીસના સકંજામાં આવેલા આ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેનું નામ રવિ મારવણીયા હોવાનું સામે આવ્યું છે. આરોપી વ્યવસાયે હીરા ઘસવાનું કામ કરતો રત્નકલાકાર છે, જે ટૂંકા સમયમાં વધુ પડતા પૈસા કમાઈ લેવાની લ્હાયમાં અને વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા માટે નશાના કાળા કારોબારમાં ધકેલાયો હોવાનું ખૂલ્યું છે. સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, પકડાયેલો તમામ ગાંજો સાદો નથી પરંતુ ઉચ્ચ ગુણવત્તાવાળો લૅબોરેટરીમાં તૈયાર થતો ‘હાઇબ્રિડ ગાંજો’ છે, જે ભારતીય ન હોઈને વિદેશી મૂળનો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ગાંજો સુરત શહેરમાં અલગ-અલગ જગ્યાએ ગ્રાહકોને સપ્લાય કરવામાં આવે તે પહેલાં જ SOG પોલીસે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




