RAJKOT NEWS: રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં રેલ્વે સ્ટેશન નજીક વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સુરતથી દેરડી કુંભાજી રૂટ પર ચાલતી એક ખાનગી લક્ઝરી બસ વહેલી સવારે પલટી મારી જતાં કીચીયારીઓ વતી ગઈ હતી. બસમાં સવાર 22 મુસાફરોમાંથી 11 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પ્રાથમિક અહેવાલો અને મુસાફરોના જણાવ્યા અનુસાર, બસ ચાલકની ભારે બેદરકારી અને અતિશય ઝડપના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.
વહેલી સવારે 4 વાગ્યે સર્જાયો અકસ્માત
મળતી વિગતો મુજબ, સુરતથી દેરડી કુંભાજી રૂટ પર દૈનિક ધોરણે (ડેઇલી સર્વિસ) દોડતી ‘શક્તિધામ’ નામની ખાનગી બસ મુસાફરોને લઈને આવી રહી હતી. વહેલી સવારે આશરે 4 વાગ્યાની આસપાસ જ્યારે બસ જસદણ રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક ચાલકે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ રોડ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત સમયે બસમાં કુલ ૨૨ મુસાફરો સવાર હતા. વહેલી સવારનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે મુસાફરોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.

ડ્રાઈવરની બેદરકારી અને મુસાફરોની ટકોર
બસમાં સવાર મુસાફરોએ અકસ્માત બાદ ડ્રાઈવર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મુસાફરોના જણાવ્યા અનુસાર બસ ચાલક શરૂઆતથી જ બસ અત્યંત ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો. ડ્રાઈવર બેફામ ગતિએ બસ હંકારીને જોખમી રીતે ‘કવા’ (સ્ટિયરિંગના જોખમી કટ) મારી રહ્યો હતો. બસની આવી જોખમી ગતિ જોઈને મુસાફરોએ ડ્રાઈવરને રસ્તામાં 3 થી 4 વખત બસ ધીમી ચલાવવા માટે કડક ટકોર પણ કરી હતી, પરંતુ ડ્રાઈવરે મુસાફરોની વાતને નજરઅંદાજ કરી હતી. અંતે ડ્રાઈવરની આ જ બેદરકારી અને ગુનાહિત નિષ્કાળજીના કારણે જસદણ નજીક બસ પલટી મારી ગઈ હોવાનું મુસાફરો જણાવી રહ્યા છે.
108 એમ્બ્યુલન્સ અને પોલીસ તંત્રની ત્વરિત કામગીરી
અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. સદનસીબે સમયસર 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. માહિતી મળતા જ જસદણ પોલીસ સ્ટેશનના પી.આઈ. ગોસાઈ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ટ્રાફિક હળવો કરાવી અકસ્માતગ્રસ્ત બસને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને મુસાફરોના નિવેદનના આધારે અકસ્માત થવા પાછળના ચોક્કસ કારણોની કાનૂની તપાસ શરૂ કરી છે.



