Gujarat Ni Vaat

મેઘરાજા ક્યારે મહેરબાન થશે? ચોમાસું મહારાષ્ટ્ર સરહદે થંભી ગયું, પણ ગુજરાતના આ જિલ્લાઓમાં આજે ગાજવીજ સાથે ધબધબાટી

Share On :

GUJRAT NEWS: ગુજરાતમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ તરફથી આંશિક રાહતના સમાચાર આવ્યા છે, તો બીજી તરફ વિધિવત ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે હજુ થોડી પ્રતીક્ષા કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગ ડાયરેક્ટર એ. કે દાસના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને આજે મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે, જેને પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

આજે કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી?

હવામાન વિભાગના સત્તાવાર બુલેટિન અનુસાર, આજે રાજ્યના મુખ્યત્વે મધ્ય અને પૂર્વ ભાગમાં આવેલા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે, જેમાં ખેડા, ડાંગ સહતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ

ભારે વરસાદની ચેતવણીવાળા વિસ્તારો ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદી છાંટા પડવાની સંભાવના છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે.

સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ વરસી શકે છે, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામશે.

ચોમાસાની સ્થિતિ: વિધિવત આગમનના કોઈ અણસાર નહીં

એક તરફ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ ઊભો થયો છે, ત્યારે બીજી તરફ વિધિવત ચોમાસાની રાહ જોતા જગતના તાત માટે થોડી ચિંતાજનક સ્થિતિ છે. ચોમાસું હાલ પૂરતું મહારાષ્ટ્રના દક્ષિણ (સાઉધર્ન) વિસ્તારમાં આવીને અટકી ગયું છે એટલે કે ત્યાં સ્થિર થઈ ગયું છે. જો કે, આગામી 3 થી 4 દિવસ બાદ આ ચોમાસું આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. પરંતુ ગુજરાતમાં ચોમાસાનો સત્તાવાર વરસાદ ક્યારે આવશે અને ચોમાસું કઈ ચોક્કસ તારીખે રાજ્યની સરહદમાં પ્રવેશ કરશે તે હજુ સુધી નક્કી કહી શકાય તેમ નથી.