MORBI NEWS: મોરબી તાલુકાના જેતપર ગામે વીજ કંપની સામે ન્યાયની માંગ સાથે ગઈકાલથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા સ્થાનિક ખેડૂતની તબિયત અચાનક લથડતાં પંથકના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. જેતપર ગામના ખેડૂત રામજીભાઈ નાનજીભાઈ ભાડજા છેલ્લા 24 કલાકથી વધુ સમયથી અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ પર બેઠા હતા, જ્યાં આજે સવારે તેમની તબિયત નાજુક બનતા તેમને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, વીજ કંપની દ્વારા જેતપર ગામના ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો અને તેના માટે મોટા પાયે ઉભા કરવામાં આવતા વીજ પોલ નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે ખેડૂતોની કિંમતી જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે અને પાક ઉત્પાદન પર પણ માઠી અસર પડી રહી છે. તંત્ર અને વીજ કંપનીના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ યોગ્ય અને સંતોષકારક નિકાલ ન લાવવામાં આવતા, આખરે કંટાળીને ખેડૂતે ગઈકાલથી પોતાના જ ગામમાં ‘આમરણાંત ઉપવાસ’નું હથિયાર ઉગામ્યું હતું.

તબિયત લથડતાં સિવિલમાં દાખલ કરાયા
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સતત ઉપવાસ પર રહેવાના કારણે આજે સવારે રામજીભાઈ ભાડજાનું બ્લડપ્રેશર અને શુગર લેવલ ઘટી જતાં તેઓ અશક્તિના કારણે ઢળી પડ્યા હતા. તેમની તબિયત વધુ ન બગડે તે માટે ત્યાં ઉપસ્થિત અન્ય ખેડૂતો અને પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તબીબોની ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.
ખેડૂતોમાં વ્યાપતો આક્રોશ
આ ઘટનાને પગલે મોરબી જિલ્લાના ખેડૂત સંગઠનો અને જેતપરના ગ્રામજનોમાં વીજ કંપનીની જોહુકમી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે, વિકાસના નામે ખેડૂતોની જમીનો બગાડવામાં આવે છે પરંતુ જ્યારે હક્કના વળતરની વાત આવે ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. એક અન્નદાતાને પોતાના જ હક માટે આ રીતે જીવ જોખમમાં મૂકવો પડે તે અત્યંત શરમજનક બાબત છે. જો વીજ કંપની અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે પૉલના વળતર અંગે યોગ્ય નીતિ જાહેર કરીને ખેડૂત રામજીભાઈ ભાડજાની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને મોટી સંખ્યામાં ખેડૂતો સમર્થનમાં જોડાશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.



