RAJKOT NEWS: સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવાલાયક અને આકર્ષણનું કેન્દ્ર બનેલા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાન (ઝૂ) માંથી ખૂબ જ આનંદદાયક અને ઉત્સાહવર્ધક સમાચાર સામે આવ્યા છે. રાજકોટના પદાધિકારીઓ પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણાએ એક સંયુક્ત યાદીમાં ગૌરવભેર જણાવ્યું છે કે, રાજકોટ ઝૂ ખાતે એશિયાઇ સિંહના પરિવારમાં 3 નવા નન્હા મહેમાનોનું આગમન થયું છે.
સિંહણ ‘ધારા’એ 3 સિંહબાળને આપ્યો જન્મ: માતા-બચ્ચાં તંદુરસ્ત
પ્રેસ યાદીમાં જણાવ્યા અનુસાર, રાજકોટ ઝૂના આઇકોનિક એશિયાઇ સિંહ (નર) “ધનંજય” તથા માદા સિંહણ “ધારા” ના સફળ સંવનનથી ૧૦૫ દિવસના ગર્ભાવસ્થાનના અંતે, માદા સિંહણ “ધારા” દ્વારા ગત તારીખ 11/6/2026ના રોજ રાત્રીના સમયે ૩ (ત્રણ) સિંહબાળને જન્મ આપવામાં આવ્યો છે.હાલમાં માતા સિંહણ અને ત્રણેય નવજાત બચ્ચાં સંપૂર્ણપણે તંદુરસ્ત છે. બચ્ચાંના જન્મ બાદ ઝૂ વેટરનરી ઓફિસર અને તેમની ખાસ ટીમ દ્વારા નવજાત શિશુઓ અને માતાની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારના વિક્ષેપ વિના તેમના પર નજર રાખી શકાય તે માટે નાઇટ શેલ્ટરમાં ખાસ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેના દ્વારા રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ ઝૂમાં સિંહોની સંખ્યા થઈ 17: કુદરતી વાતાવરણ ફળ્યું
રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે પૂરું પાડવામાં આવેલું કુદરતી જંગલ સ્વરૂપનું નૈસર્ગિક અને શાંત વાતાવરણ એશિયાઇ સિંહ તથા સફેદ વાઘ જેવા વન્યજીવોને ખૂબ જ અનુકૂળ આવી ગયું છે. આ જ કારણ છે કે અહીં સમયાંતરે વન્યપ્રાણીઓનું સફળ થઈ રહ્યું છે. નવા ૩ બચ્ચાંના જન્મ સાથે જ રાજકોટ ઝૂમાં એશિયાઇ સિંહોનો ભવ્ય પરિવાર હવે 17 સભ્યોનો થઈ ગયો છે.
એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અન્ય રાજ્યોના ઝૂ સાથે આદાન-પ્રદાન
સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઝૂનો વૈજ્ઞાનિક અને આધુનિક ઢબે વિકાસ કરવામાં આવ્યો છે. વન્યપ્રાણી વિનિમય હેઠળ રાજકોટ ઝૂ દ્વારા અહીં જન્મેલા સિંહો ભારતના અન્ય પ્રખ્યાત ઝૂને આપીને, તેના બદલામાં દુર્લભ અને જુદી જુદી પ્રજાતિઓના પ્રાણી-પક્ષીઓ મેળવવામાં આવે છે. રાજકોટ ઝૂએ અત્યાર સુધીમાં મૈસુર ઝૂ, હૈદરાબાદ ઝૂ, છતબીર ઝૂ (પંજાબ), લખનઉ ઝૂ, ભીલાઇ ઝૂ (છત્તીસગઢ), કાંકરીયા ઝૂ (અમદાવાદ) અને સક્કરબાગ ઝૂ (જુનાગઢ) જેવા નામાંકિત પ્રાણીસંગ્રહાલયો સાથે વન્યપ્રાણીઓનું સફળતાપૂર્વક આદાન-પ્રદાન કર્યું છે.
વાર્ષિક 7 લાખથી વધુ મુલાકાતીઓ: જુદી જુદી 70 પ્રજાતિઓ આકર્ષણનું કેન્દ્ર
શહેરના પદાધિકારીઓએ ઉમેર્યું કે, પ્રવાસીઓ માટે રાજકોટ ઝૂ હાલમાં સૌરાષ્ટ્રનું સૌથી ઉત્તમ અને મનપસંદ પર્યટન સ્થળ બની ગયું છે. જાહેર રજાઓ, રવિવાર અને તહેવારોના દિવસોમાં અહીં ભારે જનમેદની ઉમટી પડે છે. દર વર્ષે અંદાજિત 7 લાખ જેટલા મુલાકાતીઓ ઝૂની મુલાકાત લે છે. ઝૂમાં વન્યજીવ પ્રેમીઓ માટે જુદી જુદી 70 પ્રજાતિઓના કુલ 618 વન્યપ્રાણીઓ અને પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. ઝૂના સતત થઈ રહેલા આધુનિકીકરણના કારણે પ્રવાસીઓની સંખ્યા અને મનપાની આવકમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ નવા મહેમાનોના આગમનથી આગામી દિવસોમાં પ્રવાસીઓના ઉત્સાહમાં વધારો થશે તેમાં કોઈ શંકા નથી.



