VERAVAL NEWS: ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે સ્થાનિક તંત્રની ઘોર બેદરકારી સપાટી પર આવી છે. શહેરના મુખ્ય ગણાતા ‘આઇકોનિક રોડ’ પર નમસ્તે સર્કલથી ટાવર ચોક સુધીના માર્ગ પર આજે એક એસટી બસ વરસાદી પાણીથી ભરાયેલા ઊંડા ખાડામાં ફસાઈ જતાં અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતને પગલે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો અને મુસાફરો તેમજ રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ ઘટનાને પગલે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ મેદાને આવી નગરપાલિકાની કામગીરી સામે તીખા પ્રહારો કર્યા છે.
મળતી વિગતો અનુસાર, વેરાવળ નગરપાલિકા દ્વારા આ આઇકોનિક રોડનું કામ છેલ્લા ઘણા સમયથી અત્યંત ગોકળગાય ગતિએ ચલાવવામાં આવી રહ્યું છે. રોડની બંને સાઈડ મોટા-મોટા ખાડાઓ ખોદીને કામ અધૂરી સ્થિતિમાં જ છોડી દેવાયું છે અને હાલમાં કામ સંપૂર્ણ બંધ છે. વેરાવળની જનતાની આ હાલાકી જોઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ પ્રી-મોન્સૂન કામગીરી મુદ્દે નગરપાલિકા સામે મેદાને આવ્યા છે. તેમણે શાસકો અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, વેરાવળ નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરી માત્રને માત્ર કાગળ પર જ બતાવવામાં આવી છે.
આજે વરસાદી પાણી ભરાવાને કારણે ખાડાનો અંદાજ ન આવતા મુસાફરોથી ભરેલી એસટી બસ તેમાં ધસી ગઈ હતી. પાણીથી ભરાયેલા ખાડામાં બસ ખુંપી જતાં તેને બહાર કાઢવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. શહેરીજનો અને સામાજિક કાર્યકરોએ તંત્રની આ નીતિ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. આ અગાઉ પણ આ અધૂરા રોડ અને પાણી ભરાયેલા ખાડાઓને કારણે અનેક નાના-મોટા વાહનો તેમજ રાહદારીઓ અકસ્માતનો ભોગ બન્યા હોવાના કિસ્સાઓ નોંધાઈ ચૂક્યા છે.




