AHEMDABAD NEWS: અમદાવાદ શહેરમાં સ્માર્ટ સિટીના નામે ચાલતી કામગીરી અને રોડ-રસ્તા કે ફૂટપાથના ખોદાણ બાદ રાખવામાં આવતી બેદરકારી હવે ખુદ ઈમરજન્સી સેવાઓ માટે આફતરૂપ સાબિત થઈ રહી છે. આજે સાંજે પાલડી વિસ્તારમાં તંત્રની આવી જ એક ઘોર બેદરકારીના કારણે “ખાડો ખોદે તે પડે” જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢતી ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ગાડી જ ફૂટપાથના ખોદાણમાં ગંભીર રીતે ફસાઈ ગઈ હતી.
પાલડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ફૂટપાથના નવીનીકરણ અને ખોદાણની કામગીરી ચાલી રહી છે. ફાયર વિભાગની એક ‘ફાયર રેસ્ક્યૂ’ ગાડી કોઈ ઈમરજન્સી કૉલ અથવા સામાન્ય રૂટ પરથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન ફૂટપાથની બાજુમાં યોગ્ય પુરાણ ન થયું હોવાના કારણે અથવા જમીન ધસી પડવાના કારણે આ ભારેખમ ગાડીનો એક ભાગ રોડની સાઈડમાં ખૂંપી ગયો હતો. ગાડી એવી રીતે ફસાઈ ગઈ હતી કે તે પોતાના પાવરથી બહાર નીકળી શકે તેમ નહોતી.
ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. કટોકટીની સ્થિતિમાં વપરાતી ગાડી જ ફસાઈ જતા તંત્રમાં દોડધામ મચી હતી, ફસાયેલી ફાયર ગાડીને ખેંચવા અને મદદ કરવા માટે ફાયર બ્રિગેડની અન્ય ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી, આખરે પરિસ્થિતિ વધુ જટિલ જણાતા એક વિશાળ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત અને ક્રેન ઓપરેશન બાદ આ ‘FIRE RESCUE’ ની ગાડીને સુરક્ષિત રીતે ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.
આ ઘટનાને પગલે પાલડી વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો ચોમાસાની શરૂઆતમાં જ ખુદ ફાયર બ્રિગેડ જેવી કટોકટીની ગાડીઓ આવા ખોદાણોનો ભોગ બનશે, તો સામાન્ય જનતાનું શું થશે? કોન્ટ્રાક્ટરો દ્વારા કામ પૂરું થયા પછી યોગ્ય પુરાણ કે બેરિકેડિંગ ન કરવામાં આવતું હોવાને કારણે જ આવા અકસ્માતો સર્જાય છે.




