RAJKOT NEWS: રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસક પક્ષ ભાજપની નાણાકીય નીતિઓ તેમજ વિવિધ પ્રોજેક્ટ્સ પાછળ થતા આંધળા ખર્ચાઓ સામે વિપક્ષ કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. રાજકોટના બહુચર્ચિત જંગલેશ્વર વિસ્તારમાં તાજેતરમાં કરવામાં આવેલી ડિમોલિશનની કામગીરીના ખર્ચને લઈને વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપપ્રમુખ અને સિનિયર નેતા ડૉ. હેમાંગ વસાવડાએ આ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને એક અત્યંત આકરો અને મુદ્દાસર પત્ર લખીને મનપાના વહીવટની પોલ ખોલી નાખી છે.
મનપા કમિશનરને પાઠવેલા સત્તાવાર પત્રમાં ડૉ. હેમાંગ વસાવડાએ સીધો સવાલ કર્યો છે કે જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો હટાવવા માટે જે મેગા ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, તેની પાછળ કોર્પોરેશનની તિજોરીમાંથી કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? મશીનરી, શ્રમિકો, ટ્રાન્સપોર્ટેશન અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ પાછળ ચૂકવવામાં આવેલી રકમની એક-એક પાઈનો હિસાબ સાર્વજનિક થવો જોઈએ. આટલું જ નહીં, પત્રમાં ભૂતકાળના વહીવટ પર પ્રહાર કરતા પૂછવામાં આવ્યું છે કે જ્યારે કોરોના કાળ દરમિયાન જંગલેશ્વર વિસ્તાર આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો અને તેને સંપૂર્ણ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.
લોકડાઉન હેઠળ રાખવા અને સીલ કરવા માટે પતરાની જે આડસ ઊભી કરવામાં આવી હતી, તેની પાછળ વાસ્તવિક રીતે કેટલો ખર્ચ થયો હતો? ડૉ. વસાવડાએ આકરા શબ્દોમાં જણાવ્યું કે, “અધિકારીઓ દ્વારા એડવાન્સમાં લાખો રૂપિયા ઉપાડવાની અને પછી તેને સેટ-ઓફ કરવાની આ શંકાસ્પદ પદ્ધતિ જ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે શક્ય અને સરળ બનાવે છે. આ પ્રક્રિયા પારદર્શિતાના ધજાગરા ઉડાવનારી છે.” કોંગ્રેસે માંગ કરી છે કે અત્યાર સુધી કયા કયા અધિકારીઓએ કેટલી ‘એબ્સ્ટ્રેક્ટ રકમ’ ઉપાડી છે તેની સંપૂર્ણ વિગતો સાર્વજનિક કરવામાં આવે અને જનતા પ્રાથમિક સુવિધાઓ જેવી કે સારા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને સ્ટ્રીટ લાઈટ માટે વલખાં મારી રહી છે, ત્યારે શાસકો પોતાના પ્રમોશન માટે સરકારી કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયા વેડફી રહ્યા છે.
કોંગ્રેસે આ તમામ સરકારી ઇવેન્ટ્સ પાછળ છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા કુલ ખર્ચના સત્તાવાર આંકડા પણ માંગ્યા છે. રાજકોટની જનતા જે ટેક્સ ભરે છે, તે જનતાના પ્રતિનિધિ અને સજાગ કરદાતા તરીકે આ તમામ નાણાકીય વિગતો મેળવવાનો કોંગ્રેસને સંપૂર્ણ કાનૂની અને નૈતિક અધિકાર છે. જો મનપા કમિશનર તુષાર સુમેરા અને વહીવટી તંત્ર દ્વારા પત્રમાં માંગવામાં આવેલી તમામ વિગતો અને આંકડાઓ નિયત સમયમર્યાદામાં પૂરા પાડવામાં નહીં આવે, તો કોંગ્રેસ આ મુદ્દાને અધવચ્ચે છોડશે નહીં.



