RAJKOT NEWS: રાજકોટ શહેરમાં સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ગેંગ સામે રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક ખૂબ જ મોટી અને મહત્વપૂર્ણ સફળતા મેળવતા, અન્ય રાજ્યોમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવી નેટવર્ક ચલાવતી આંતરરાજ્ય સિન્ડિકેટ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી વિરૂદ્ધ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ હેઠળ કડક કાનૂની ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સિન્ડિકેટ ગેંગના મુખ્ય આરોપી અને કિંગપિન ફિરોઝ ઉર્ફે ફિરિયો આસામભાઈ મેણુ સહિત ગેંગના કુલ 20 સાગરીતો વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગેંગ રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી સંગઠિત થઈને બહારના રાજ્યોમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી અને કાળો કારોબાર ચલાવતી હતી. પોલીસ તપાસમાં આ ગેંગનો અત્યંત ચોંકાવનારો કાળો ઈતિહાસ સામે આવ્યો છે.
આ સિન્ડિકેટ ગેંગના સભ્યો એટલા રીઢા ગુનેગારો છે કે છેલ્લા 10 વર્ષના ગાળામાં જ ગેંગના અલગ-અલગ આરોપીઓ વિરૂદ્ધ રાજકોટ સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં કુલ 272 જેટલા ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે. આ ટોળકી માત્ર દારૂની હેરાફેરી જ નહીં, પરંતુ સમાજમાં ભયનો માહોલ ઊભો કરવા માટે નીચે મુજબના ગંભીર ગુનાઓ આચરવામાં સંડોવાયેલી છે, રાજકોટ પોલીસ દ્વારા ગુનેગારો અને સંગઠિત ટોળકીઓ પર કડક ધાક બેસાડવા માટે થઈ રહેલી કામગીરીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટમાં છેલ્લા માત્ર વર્ષના ટૂંકા ગાળામાં જ પોલીસે સપાટો બોલાવીને કુલ 9 ખતરનાક ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે.
આ 9 ગેંગના કુલ 113 જેટલા હિસ્ટ્રીશીટર આરોપીઓને જેલહવાલે કરીને પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચની આ સફળ કામગીરીથી રાજકોટના બૂટલેગરો અને સંગઠિત ગુનાખોરી આચરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શહેરમાં શાંતિ રોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ ગેંગને બક્ષવામાં આવશે નહીં.



