BHAVNAGAR NEWS: ભાવનગર સ્થિત સરકારી મેડિકલ કોલેજમાં તાજેતરમાં સામે આવેલા રેગિંગના ગંભીર બનાવને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને સર્વોપરી ગણીને, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ દોષિત વિદ્યાર્થીઓ સામે અભૂતપૂર્વ અને કડક દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મંત્રીની કડક સૂચના બાદ મોડી રાત સુધી ચાલેલી એન્ટી-રેગિંગ કમિટીની મેરેથોન બેઠકમાં તમામ પુરાવાઓની તપાસ કરીને ગુનેગાર સાબિત થયેલા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી હાંકી કાઢવા તેમજ કોલેજમાંથી ચોક્કસ મુદત માટે બરતરફ કરવાના કડક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
એન્ટી-રેગિંગ કમિટીની મોડી રાત સુધી મેરેથોન બેઠક અને તપાસ
આ અમાનવીય ઘટનાની ફરિયાદ મળતાની સાથે જ ગાંધીનગર આરોગ્ય વિભાગ અને કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું હતું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક તાકીદના પગલે ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક તારીખ 18 જૂન, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યે શરૂ કરવામાં આવી હતી. આ બેઠક સતત 9 કલાક કરતાં વધુ સમય સુધી એટલે કે તારીખ 19 જૂન, 2026ની વહેલી સવારે રાત્રે 2:00 વાગ્યા સુધી ચાલી હતી. આ મેરેથોન બેઠક દરમિયાન કમિટી દ્વારા ઊંડાણપૂર્વક અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ઓર્થોપેડિક વિભાગના પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ ઉપરાંત સંબંધિત ફેકલ્ટી સભ્યો તથા સપોર્ટ સ્ટાફને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી અને તેમના લેખિત નિવેદનો નોંધવામાં આવ્યા હતા.
દોષિત વિદ્યાર્થીઓ સામે લેવાયેલા કડક પગલાંની વિગત
તમામ હકીકતો, સાક્ષીઓના નિવેદનો અને પુરાવાઓના મૂલ્યાંકન બાદ એન્ટી-રેગિંગ કમિટી દ્વારા દોષિત ઠરેલા વિદ્યાર્થીઓ સામે નીચે મુજબની કડક સજાની જાહેરાત કરવામાં આવી છે,સજા પામેલા તમામ 6 વિદ્યાર્થીઓએ તારીખ ૧૯ જૂનની સાંજ સુધીમાં પોતાના હોસ્ટેલના રૂમ ફરજિયાતપણે ખાલી કરી કોલેજ તંત્રને જાણ કરવાની રહેશે. આ ઉપરાંત, સજાના નિર્ધારિત સમયગાળા દરમિયાન સંબંધિત વિદ્યાર્થીઓ કોલેજની કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ (દર્દીઓની સારવાર સંબંધિત), સંશોધન કે અન્ય કોઈપણ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.
“રેગિંગ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ”- પ્રફુલ પાનશેરીયા
આ કડક નિર્ણયો અંગે પત્રકારોને માહિતી આપતાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓની સુરક્ષા અને સન્માન સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અસામાજિક, અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં.” મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સક્ષમ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર શૈક્ષણિક સંસ્થાઓમાં સ્વસ્થ અને ભયમુક્ત વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રેગિંગ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ ધરાવે છે.
2 દિવસમાં ન્યાય: મંત્રી દ્વારા અધિકારીઓ અને ટીમની સરાહના
આરોગ્ય મંત્રીશ્રીએ આ ગંભીર અને અમાનવીય ફરિયાદને ત્વરિત ધ્યાને લઈ, માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં પીડિત વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા બદલ સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી. ગાંધીનગર આરોગ્ય વિભાગ, અધિક નિયામકશ્રી તેમજ ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ પરસ્પર સતત સંકલન સાધીને, રાત્રના ૨ વાગ્યા સુધી જાગીને જે નિષ્પક્ષ તપાસ અને સમયબદ્ધ કાર્યવાહી કરી છે, તે બદલ મંત્રીશ્રીએ તમામ અધિકારીઓ અને કમિટીના સભ્યોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
વિદ્યાર્થીઓને નિર્ભય રહેવા મંત્રીનું જાહેર આહવાન
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને, ખાસ કરીને મેડિકલ ક્ષેત્રના દીકરા-દીકરીઓને એક અત્યંત મહત્વપૂર્ણ અને હૂંફાળો સંદેશ આપતાં જણાવ્યું છે કે, જો કોઈ પણ વિદ્યાર્થીને રેગિંગ, માનસિક ત્રાસ, બિનજરૂરી દબાણ, ધમકી કે અન્ય કોઈપણ પ્રકારના અમાનવીય વર્તનનો સામનો કરવો પડે, તો તેણે જરાય ડરવાની જરૂર નથી. વિદ્યાર્થીઓએ આવા દબાણ કે અમાનવીય કૃત્યોને મૂંગા મોઢે સહન કરવાના બદલે નિર્ભયતાપૂર્વક પોતાની કોલેજની એન્ટી-રેગિંગ કમિટી, કોલેજ પ્રશાસન અથવા સંબંધિત સત્તાધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ.




