Gujarat Ni Vaat

સાવધાન રાજકોટવાસીઓ! તમે જે ચાઇનીઝ-પંજાબી હોંશે હોંશે ખાઓ છો તે એક્સપાયરી ડેટનું તો નથી ને? મવડીમાં બાલાજી ચાઇનીઝ દુકાનમાંથી અખાધ જથ્થો જપ્ત

Share On :

RAJKOT NEWS: રાજકોટ શહેરમાં વસતા નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને આરોગ્ય અધિકારીની કડક સૂચના અન્વયે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઉનાળાની ઋતુ અને વાસસી ખોરાકના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા માટે મનપાની ટીમ સતત એક્શન મોડમાં છે. આ ઝુંબેશના ભાગરૂપે આજે રાજકોટના મવડી ગામ નજીક આવેલા હબ સમાન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા મવડી ગામ નજીક, બાપા સીતારામ ચોક પાસે કાર્યરત ખાણી-પીણીની એક જાણીતી દુકાન પર આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતો દરોડો પાડીને કાયદાકીય સકંજો કસ્યો છે.

રાજકોટ મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર્સની ખાસ ટીમે બાપા સીતારામ ચોક પાસે આવેલી ‘બાલાજી ચાઇનીઝ-પંજાબી’ નામની પેઢીમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ દુકાનના રસોડા અને સ્ટોરેજ એરિયામાંથી અત્યંત આઘાતજનક વિગતો અને ગંભીર બેદરકારીઓ પ્રકાશમાં આવી હતી, દુકાનમાંથી ચાઇનીઝ અને પંજાબી વાનગીઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સોસ, મસાલા અને અન્ય પેકિંગ મટીરિયલ્સ મળી આવ્યા હતા, જેની વપરાશની સમયમર્યાદા લાંબા સમય પહેલાં જ પૂર્ણ થઈ ચૂકી હતી. આ સામગ્રી માનવ શરીર માટે ઝેરી સાબિત થઈ શકે તેમ હતી. ફ્રિજ તેમજ રસોડામાં રાખવામાં આવેલો રાંધેલો ખોરાક, ગ્રેવી, લોટ અને શાકભાજીનો જથ્થો તદ્દન વાસી, દુર્ગંધ મારતો અને અખાદ્ય હોવાનું માલૂમ પડ્યું હતું.

જ્યારે મનપાના અધિકારીઓએ કાયદેસરની તપાસના ભાગરૂપે પેઢીના સંચાલકો પાસે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું જરૂરી ફૂડ લાઇસન્સ માંગ્યું, ત્યારે સંચાલકો આવું કોઈ પણ લાયસન્સ કે રજિસ્ટ્રેશન રજૂ કરી શક્યા ન હતા. એટલે કે, આ પેઢી સંપૂર્ણપણે ગેરકાયદેસર અને નિયમોની ઐસીતૈસી કરીને ચલાવવામાં આવી રહી હતી. ફૂડ લાઇસન્સ વિના વ્યવસાય કરવા અને અખાદ્ય વસ્તુઓ રાખવાના ગંભીર ગુના બદલ પેઢીના માલિકને રૂપિયા દસ હજાર પૂરાન વહીવટી દંડ ફટકારવામાં આવ્યો છે અને આ રકમ વસૂલવાની પ્રક્રિયા પૂરી કરાઈ ગ્રાહકોના જીવને જોખમમાં મૂકવા સબબ ફૂડ સેફ્ટી એક્ટની વિવિધ કલમો હેઠળ ‘બાલાજી ચાઇનીઝ-પંજાબી’ દુકાનને તાત્કાલિક અસરથી સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે. આગામી આદેશ સુધી આ દુકાન કોઈપણ સંજોગોમાં ખોલી શકાશે નહીં.