GUJRAT NEWS: નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ, કૌભાંડ અને વારંવાર થતા પેપર લીકના મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ યોજી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, આખા દેશમાં વર્તમાન શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ‘વસૂલી કરવાનું કેન્દ્ર’ બની ગઈ છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, દેશભરમાં 22 લાખથી વધુ હોશિયાર વિદ્યાર્થીઓ વર્ષો સુધી તનતોડ મહેનત કરીને NEETની પરીક્ષા આપતા હોય છે. પરંતુ વહીવટી તંત્ર અને વ્યવસ્થાપનમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને કારણે વારંવાર પેપર લીક થાય છે. આ કૌભાંડોના કારણે લાખો આશાસ્પદ યુવાનોના ભવિષ્ય અને સપના રોળાઈ ગયા છે.
એકવાર ભૂલ થાય તો માની શકાય, પરંતુ વારંવાર થતી આવી ઘટનાઓ સરકારી તંત્રની મિલીભગત અને ભ્રષ્ટાચારની સાબિતી આપે છે. કોંગ્રેસ નેતાએ સત્તાવાર વિગતો આપતા કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં અલગ-અલગ પરીક્ષાઓના 89 પેપર લીક થઈ ચૂક્યા છે, જેને કારણે 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. CBSE અને વ્યાપમ જેવા મોટા કૌભાંડો વારંવાર ઉજાગર થવા છતાં સરકાર કોઈ કાયમી નિરાકરણ લાવી શકી નથી. ગુજરાત પણ આમાંથી બાકાત નથી,અહીં જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ અને LRD જેવી સરકારી ભરતીઓમાં પણ મોટા પાયે કૌભાંડો થયા છે.
આ ગંભીર રાષ્ટ્રીય મુદ્દે વડાપ્રધાન મૌન સેવી રહ્યા હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે. દેશના કરોડો યુવાનો અત્યારે ઘેરી ચિંતામાં છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીડિત વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમની વેદના સાંભળી છે અને તેઓ વિદ્યાર્થીઓ વતી અવાજ ઉઠાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી પાછળ વાલીઓના કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. દેશમાં પાંચ મુખ્ય પરીક્ષાઓ પાછળ અંદાજે સાડા પાંચ લાખ કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ થાય છે, જે ભારત દેશના કુલ બજેટની સમકક્ષ ગણી શકાય. પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ઉઠી જવાના કારણે ડિપ્રેશનમાં આવીને વિદ્યાર્થીઓ આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભરી રહ્યા છે.
તાજેતરમાં જ અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક આશાસ્પદ યુવાને આ કટોકટીના કારણે આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. શિક્ષણ વિભાગમાં ચાલતી આવી ઉઘાડી લૂંટ અને કૌભાંડો બંધ થાય તે માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ આગામી 22 અને 23 જૂનના રોજ સમગ્ર ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને વાલીઓ, જાગૃત નાગરિકો અને પીડિત વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. કોંગ્રેસ જનતાનો અવાજ બુલંદ કરવાનું મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે અને આ લડત અંતર્ગત રાજ્યભરમાં ‘છાત્ર ગુંજ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.




