entertainment news: બોલિવૂડના પાવરહાઉસ ગણાતા સુપરસ્ટાર રણવીર સિંહ સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર ૨’ એ ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક નવો સુવર્ણ અધ્યાય લખી દીધો છે. પ્રખ્યાત ડાયરેક્ટર આદિત્ય ધરના અદભુત નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે સિનેમાઘરોમાં સફળતાપૂર્વક પોતાના ગૌરવશાળી 100 દિવસ પૂરા કરી લીધા છે. આ મહા-સિદ્ધિની સત્તાવાર જાહેરાત ફિલ્મના પ્રોડક્શન હાઉસ ‘જિયો સ્ટૂડિયોઝ’ દ્વારા શુક્રવારના રોજ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કરવામાં આવી છે. જિયો સ્ટૂડિયોઝે કેપ્શનમાં ઉત્સાહ સાથે લખ્યું છે કે, “૧૦૦ days since theatres echoed with ‘Honsla Eendhan Badla’.”
‘ધુરંધર 2’ એ કમાણીના મામલામાં અકલ્પનીય રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મે વિશ્વભરમાં કુલ ₹1,813.38 કરોડ નું અધધ કલેક્શન કર્યું છે. આ કમાણી તેના પહેલા ભાગ ‘ધુરંધર’ (જેણે ₹1,307.35કરોડ કમાયા હતા) કરતાં પણ ઘણી વધારે છે. માત્ર ભારતીય બજારની વાત કરીએ તો, ફિલ્મે ભારતમાં નેટ ₹840.20 કરોડ ની ઐતિહાસિક કમાણી કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ફ્રેન્ચાઈઝીનો પહેલો ભાગ ‘ધુરંધર’ 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયો હતો, જેમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત અને આર. માધવન જેવા કલાકારોએ ધૂમ મચાવી હતી.
ત્યારબાદ આ સિક્વલ ‘ધુરંધર ૨’ આંતરરાષ્ટ્રીય સ્તર પર 15 મે 2026ના રોજ અને ભારતમાં 22 મે 2026ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. ‘ધુરંધર 2’ માં અર્જૂન રામપાલ, સંજય દત્ત, આર. માધવન, સારા અર્જૂન, દાનિશ પંડોર અને ગૌરવ ગેરા જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો છે. સિનેમાઘરોમાં 100 દિવસ સુધી હાઉસફુલના બોર્ડ ખેંચ્યા બાદ, આ ફિલ્મ જ્યારે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ત્યારે ત્યાં પણ ડિજિટલ દર્શકોમાં જોરદાર ક્રેઝ જોવા મળ્યો હતો અને તે સતત અનેક અઠવાડિયા સુધી ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં પ્રથમ સ્થાને રહી હતી. ફિલ્મના મેકર્સે આ અભૂતપૂર્વ સફળતા બદલ સમગ્ર વિશ્વના સિનેપ્રેમીઓ અને ચાહકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.




