Gujarat Ni Vaat

તેલ પછી હવે ઇન્ટરનેટ પર ઈરાનનો પહેરો : ઈરાનના એક નિર્ણયથી UPI, વોટ્સએપ અને ઇન્ટરનેટ ઠપ થઈ જશે? જાણો શું છે સમગ્ર વિવાદ

Share On :

WORLD NEWS : વિશ્વના નકશા પર હોર્મુઝની ખાડી હંમેશા તેલના ટેન્કરો માટેના સૌથી વ્યૂહાત્મક માર્ગ તરીકે જાણીતી રહી છે. પરંતુ 2026ના મે મહિનામાં એક એવી ઘટના આકાર લઈ રહી છે જે તેલના સંકટ કરતા પણ વધુ ભયાનક સાબિત થઈ શકે છે. ઈરાને હવે સમુદ્રના પેટાળમાં બિછાવેલા એવા ઈન્ટરનેટ કેબલ્સ પર પોતાનું નિયંત્રણ વધારવાની તૈયારી કરી છે જે સમગ્ર એશિયાને યુરોપ સાથે જોડે છે. જો આ ‘ડિજિટલ નાકાબંધી’ સફળ થાય, તો ભારત સહિતના દેશોમાં UPI, વોટ્સએપ અને ક્લાઉડ સર્વિસ જેવી પાયાની સેવાઓ ઠપ થઈ જવાની ભીતિ છે.

જે રીતે ઈરાને હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ લેવાની શરૂઆત કરી છે, તેવી જ રીતે હવે તે અંડરસી કેબલ્સનો ઉપયોગ કરતી આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓ પાસેથી મેન્ટેનન્સ અને પ્રોટેક્શન ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. આ અંડરસી કેબલ્સ એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડે છે. વિશ્વનો 95% થી 99% ઈન્ટરનેટ ટ્રાફિક આના દ્વારા ચાલે છે. જો ઈરાન આ કેબલ્સમાં કોઈ ખલેલ પહોંચાડે અથવા મેન્ટેનન્સના બહાને ડેટા રોકે, તો ભારત સહિતના દેશોમાં WhatsApp, Instagram, UPI પેમેન્ટ અને AI સર્વિસ જેવી સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે.

અત્યાર સુધી તેલનો પુરવઠો કાપવાની ધમકીઓ અપાતી હતી, પરંતુ હવે ઈરાન ઈન્ટરનેટ કેબલ્સને ભૌગોલિક રાજનીતિના હથિયાર તરીકે વાપરવા માંગે છે. આનાથી વૈશ્વિક બેંકિંગ અને ક્લાઉડ ડેટા સર્વર્સ પર સીધું જોખમ ઉભું થશે. Google, Meta અને Microsoft જેવી મોટી ટેક કંપનીઓ માટે હવે બે વિકલ્પો બચ્યા છે કાં તો તેઓ ઈરાનના કડક નિયમો સ્વીકારે અથવા અબજો ડોલરના ખર્ચે ઈન્ટરનેટ ટ્રાફિક માટે નવા દરિયાઈ રૂટ શોધે. જો ઈન્ટરનેટ તેલની જેમ રાજનીતિનો હિસ્સો બની જશે, તો વૈશ્વિક ડિજિટલ ઈકોનોમીને અબજો ડોલરનું નુકસાન થઈ શકે છે. ભારત જેવા દેશો જે ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર નિર્ભર છે, તેમના માટે આ એક ગંભીર રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય પણ બની શકે છે.