RAJKOT NEWS: રાજકોટ શહેરના હાર્દ સમાન ગણાતા જાગનાથ પ્લોટ શેરી નંબર ૪ અને ૫ ના ખૂણા પર ગઈકાલે રાત્રે ફરી એકવાર ભયાનક અકસ્માત સર્જાયો છે. આ વિસ્તારમાં વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિકના કારણે દરરોજ નાના-મોટા અકસ્માતો થવા એ હવે રોજની વિગત બની ગઈ છે, જેને પગલે સ્થાનિક રહીશો અને રાહદારીઓના જીવ સતત જોખમમાં મુકાયા છે.
જાગનાથ પ્લોટ એ રાજકોટનો પોશ અને અતિ વ્યસ્ત રહેણાંક તેમજ કોમર્શિયલ એરિયા છે. શેરી નંબર ૪ અને ૫ ના ખૂણા પર આસપાસ હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, અને મોટી દુકાનો આવેલી હોવાથી અહીં મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોની અવરજવર સતત રહે છે. પરંતુ, મુખ્ય માર્ગ પરથી આવતા લક્ઝુરિયસ વાહનો અને બાઇક ચાલકો આ રહેણાંક વિસ્તારની ગલીઓને જાણે ‘રેસિંગ ટ્રેક’ સમજીને સ્પીડમાં વાહનો હંકારે છે.
વળાંક સાંકડો હોવાથી સામેથી કયું વાહન આવે છે તે દેખાતું નથી. જો આ સ્થળે એક વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવી દેવામાં આવે, તો વાહનોની ગતિ આપોઆપ ધીમી પડી જાય અને 90% અકસ્માતો અટકી શકે તેમ છે. પરંતુ મનપાના એન્જિનિયરોને કદાચ પ્રજાના જીવની કોઈ કિંમત નથી.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ ક્રોસિંગ (ખૂણા) પર સ્પીડ બ્રેકર (ગતિરોધક) મૂકવા માટે અગાઉ રાજકોટ મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ બ્રાન્ચમાં લેખિત તથા મૌખિક સ્વરૂપે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં, તંત્ર દ્વારા હજુ સુધી અહીં કોઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યું નથી. તંત્રની આ ઘોર ઉદાસીનતા અને બેદરકારીને કારણે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ગઈકાલે રાત્રે થયેલો અકસ્માત પણ તંત્રની આંખ ઉઘાડવા માટે પૂરતો છે.
જો આગામી દિવસોમાં ટ્રાફિક બ્રાન્ચ અને કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે જાગનાથ પ્લોટ 4/5 ના ખૂણા પર સ્પીડ બ્રેકર કે સાઈન બોર્ડ મૂકવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.



