Gujarat Ni Vaat

માસૂમિયતનું શોષણ : 5000માં વેચાતી હતી મજૂરી, સુરત પોલીસે ફેક્ટરીના અંધકારમાંથી 84 બાળકો કરાવ્યાં આઝાદ

Share On :

SURAT NEWS : સુરત શહેર પોલીસ અને રાજસ્થાનની ઉદયપુર પોલીસ દ્વારા આજે એક સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને માનવતાને શરમાવે તેવી ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સુરતની વિવિધ ફેક્ટરીઓમાં ગેરકાયદેસર રીતે મજૂરી કરી રહેલા ઉદયપુરના 84 આદિવાસી બાળકોને પોલીસની ટીમે દરોડા પાડીને મુક્ત કરાવ્યા છે. આ માસૂમ બાળકો પાસે અત્યંત અમાનવીય પરિસ્થિતિમાં મજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.

રાજસ્થાન પોલીસને બાતમી મળી હતી કે ઉદયપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બાળકોને લલચાવી-ફોસલાવીને સુરત ખાતે મજૂરી અર્થે લાવવામાં આવ્યા છે. આ માહિતીના આધારે ઉદયપુર પોલીસની એક ખાસ ટીમ સુરત પહોંચી હતી. સુરત પોલીસ કમિશનરની સૂચના મુજબ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ રાજસ્થાન પોલીસ સાથે મળીને શહેરના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ મેગા ઓપરેશન દરમિયાન સુરતની નાની-મોટી ફેક્ટરીઓ અને વર્કશોપ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી ફેક્ટરી માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. દરોડા દરમિયાન કુલ 84 બાળકો મળી આવ્યા હતા, જે તમામ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

આ મામલે સુરત પોલીસે બાળ મજૂરી પ્રતિબંધક ધારા અને માનવ તસ્કરી હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે ફેક્ટરી માલિકો આ બાળકો પાસે મજૂરી કરાવતા હતા અને જે એજન્ટો તેમને ઉદયપુરથી સુરત લાવ્યા હતા, તે તમામ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અન્ય શંકાસ્પદ સ્થળોએ પણ તપાસ કરી રહી છે