RAJKOT NEWS : સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટ શહેરમાં આજે શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી NEET પરીક્ષામાં ગેરરીતિ અને ત્યારબાદ પરીક્ષા રદ કરવાના નિર્ણયને પગલે રાજકોટના વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિદ્યાર્થી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વર્ષોની મહેનત અને વાલીઓના લાખો રૂપિયાના ખર્ચ બાદ જ્યારે પરીક્ષા રદ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ કેવી હોય છે તેનો ચિતાર આજે રાજકોટના વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યો હતો.
એક કદી ન અટકતો સિલસિલો?
રાજકોટના વિદ્યાર્થી આગેવાનોએ પત્રકાર પરિષદ અને વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યંત ગંભીર સવાલો ઉભા કર્યા હતા. આગેવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગ્યે જ એવી કોઈ મોટી સ્પર્ધાત્મક પરીક્ષા ગઈ હશે જેમાં પેપર લીક થવાની ઘટના ન બની હોય. ક્યારેક બોર્ડની પરીક્ષા, ક્યારેક સરકારી ભરતીની પરીક્ષા તો ક્યારેક રાષ્ટ્રીય સ્તરની NEET જેવી પરીક્ષાઓમાં પેપર લીક થવાના બનાવો બને છે. વિદ્યાર્થીઓનો મુખ્ય આક્ષેપ એ છે કે, જ્યારે પણ પેપર લીક થાય છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા માત્ર ‘કમિટી’ બનાવવાની જાહેરાત કરવામાં આવે
‘કમિટી’ નહીં, ‘કાર્યવાહી’ જોઈએ છે
રાજકોટમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા કે, “અમને કમિટીઓમાં વિશ્વાસ નથી, અમને ન્યાય જોઈએ છે.” વિદ્યાર્થી આગેવાનોનું કહેવું છે કે પેપર લીક થયા બાદ તપાસ સમિતિઓ રચવી એ માત્ર લોકોના રોષને શાંત પાડવા માટેનું એક સાધન બની ગયું છે. વાસ્તવમાં, આવી તપાસ બાદ કોઈ મોટા માથાઓ સામે નક્કર કાર્યવાહી થતી નથી. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે, પરંતુ જે મુખ્ય સૂત્રધારો છે તેઓ છૂટા ફરે છે.
પરીક્ષા લેતી સંસ્થાઓની વિશ્વસનીયતા સામે સવાલ
આ વખતના વિરોધમાં એક નવી અને મહત્વની માગ ઉઠી છે કે પરીક્ષા લેતી સંસ્થાઓ સામે એક્શન, રાજકોટના વિદ્યાર્થી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જે પણ સંસ્થા પરીક્ષા લેવાની જવાબદારી સંભાળતી હોય, જો પેપર લીક થાય તો તે સંસ્થાને જ કેમ જવાબદાર ઠેરવવામાં આવતી નથી?
આગામી રણનીતિ અને માગણીઓ
NEET પેપર લીક મામલે હાઈકોર્ટના સીટિંગ જજની દેખરેખ હેઠળ તપાસ થાય, પરીક્ષા લેતી એજન્સીના વડાની ધરપકડ કરવામાં આવે, ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અને કડક કાયદો અમલમાં મૂકાય, પરીક્ષા રદ થવાને કારણે વિદ્યાર્થીઓને થયેલા આર્થિક અને માનસિક નુકસાનનું વળતર સરકાર વિચારે. રાજકોટનો આ વિરોધ એ માત્ર એક શહેરનો અવાજ નથી, પરંતુ દેશના લાખો વિદ્યાર્થીઓના હૈયાની વરાળ છે. જો શિક્ષણ જેવી પવિત્ર વ્યવસ્થામાં પણ ભ્રષ્ટાચાર અને લાપરવાહી ઘૂસી જશે, તો દેશનું ભવિષ્ય જોખમમાં મુકાશે. રાજકોટના વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ન્યાય નહીં મળે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનશે અને સચિવાલય સુધી ગુંજશે.




