Gujarat Ni Vaat

શું તમે પણ આ ફેમસ પાન મસાલાના શોખીન છો : તો ઓઢવનો આ કિસ્સો જાણી લો… નહીંતર પસ્તાશો!

Share On :

AHEMDABAD NEWS: અમદાવાદ શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો તેમજ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના નામે ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી નાગરિકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા તત્વો સામે અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીની સૂચના હેઠળ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ) ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક અત્યંત ચોક્કસ અને વિશ્વસનીય ખાનગી બાતમીદાર તરફથી માહિતી મળી હતી કે, શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ઔદ્યોગિક ઝોનમાં ગુપ્ત રીતે એક ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી છે. આ ફેક્ટરીમાં બજારમાં ખુબ જ લોકપ્રિય અને જાણીતી બ્રાન્ડ્સના પાઉચમાં નકલી પાન મસાલા પેક કરીને તેનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે.

બાતમીની સચોટતા તપાસ્યા બાદ એસ.ઓ.જી. ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક ખાસ ઓપરેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું. પોલીસની આ ટીમે ઓઢવ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ વર્કશોપ રોડ પાસે, વિજય એસ્ટેટના પ્લોટ નંબર 20/2 ખાતે ત્રાટકીને ઓચિંતો દરો્ડો પાડ્યો હતો. આ એસ્ટેટમાં આવેલા એક બિલ્ડિંગના બીજા માળના શેડમાં મોટા પાયે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હતી.

પોલીસે જ્યારે શેડમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં મોટા પાયે પાન મસાલાનું મિશ્રણ તૈયાર કરવાનું અને તેનું પેકિંગ કરવાનું કામ ચાલી રહ્યું હતું. તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી બજારમાં સૌથી વધુ વેચાતી જાણીતી બ્રાન્ડ વિમલ પાન મસાલા’ તથા ‘મહક સિલ્વર પાન મસાલા’ ના આબેહૂબ ડુપ્લિકેટ પ્લાસ્ટિક પેકેટો (રેપર્સ) અને લોગો મળી આવ્યા હતા. બ્રાન્ડેડ કંપનીઓની નકલ કરીને ગ્રાહકોને છેતરવા માટે આ આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું.

આ નકલી અને ગેરકાયદેસર કાળો કારોબાર ચલાવતા મુખ્ય સુત્રધાર અને ફેક્ટરીના માલિક/સંચાલકને પોલીસ દ્વારા સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો છે. મૂળ માલિકી હક્ક ધરાવતી કંપનીઓની પરવાનગી વિના તેમના ટ્રેડમાર્ક અને લોગોનો ગેરકાયદેસર ઉપયોગ કરીને બજારમાં નકલી સામાન વેચવા બદલ આરોપી વિરુદ્ધ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કૉપિરાઇટ એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની છેતરપિંડી અને માનવ જિંદગીને જોખમમાં મૂકવા સંબંધિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.