Gujarat Ni Vaat

મેનૂમાં હતો પુલાવ, પણ પીરસાઈ ગઈ ‘મારપીટ’ : લોખંડના ઝારા અને તાવેતાથી વર-કન્યા પક્ષે એકબીજાના માથા વઘાર્યા!

Share On :

AHEDABAD NEWS : અમદાવાદના મેઘાણીનગરમાં એક એવા લગ્ન યોજાયા જ્યાં કંકોતરીમાં તો ‘સ્નેહભર્યા ભોજન’નું આમંત્રણ હતું, પણ પીરસાયું ‘ધીંગાણું’! બિરયાની ન મળવાના દુઃખમાં વરરાજાના પક્ષે એવો પુલાવ ખાધો કે રસોડાના ઝારા અને તાવેતા સીધા માથા પર ઝીંકાયા. હવે હાલત એવી છે કે નવોઢા સાસરે જાય એ પહેલાં તો બંને પક્ષો સિવિલ હોસ્પિટલ અને પોલીસ સ્ટેશનના ફેરા ફરી રહ્યા છે. આ ઘટનામાં રસોડામાં વપરાતા ઝારા, તાવેતા અને છરી જેવા હથિયારોથી હુમલો કરવામાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે.

કન્યા પક્ષના ગંભીર આક્ષેપો

કન્યા પક્ષના કશિશ કછવાયાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પુલાવની બાબતે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો શાંત થઈ ગયો હતો. જોકે, મોડી રાત્રે વરરાજા સાગર, તેનો ભાઈ અમૃત અને અન્ય મિત્રોએ આવીને કન્યાના પિતા સાથે ફરી ઝઘડો કર્યો હતો. આ દરમિયાન તીક્ષ્ણ હથિયાર વડે પિતાના હાથ પર હુમલો કરવામાં આવ્યો હતો અને વચ્ચે બચાવવા આવેલા કાકી પર પણ છરીથી હુમલો થયો હતો. મારામારીમાં દાદી અને માતાને પણ ઈજાઓ પહોંચી છે, તેમજ સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

વર પક્ષની વળતી ફરિયાદ

સામે પક્ષે વરરાજાના મિત્ર આકાશસિંહ પરિહારે ફરિયાદ નોંધાવી છે કે, કન્યાના ભાઈ રીતિકે “બિરયાની કેમ નથી બનાવી?” તેમ કહી વિવાદ શરૂ કર્યો હતો. રાત્રે જ્યારે સમજાવટનો પ્રયાસ ચાલી રહ્યો હતો, ત્યારે કન્યાના ભાઈ અને પિતાએ ઉશ્કેરાઈને રસોડામાં વપરાતા લોખંડના મોટા ઝારા અને તાવેતા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં આકાશસિંહ અને તેના મિત્રોને માથા તેમજ ખભાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે.

પોલીસ કાર્યવાહી

આ મામલે પીએસઆઈ પટેલે જણાવ્યું હતું કે, બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે.

  • કન્યા પક્ષની ફરિયાદમાં ત્રણ નામજોગ અને બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
  • વર પક્ષની ફરિયાદમાં કન્યાના પિતા અને ભાઈ સહિત અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
  • તમામ ઈજાગ્રસ્તો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, જમવાની બાબતમાં થયેલી ખરાબ કોમેન્ટ્સ જ આ સમગ્ર હિંસક ઘટનાનું મુખ્ય કારણ હતી.