Gujarat Ni Vaat

‘તમે આવી ઘટનાઓ બન્યા પછી જ કેમ જાગો છો?’ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ મુદે હાઈકોર્ટેની તંત્રને ટકોર

Share On :

BANASKANTHA NEWS: બનાસકાંઠાના ડીસામાં 1 એપ્રિલ, 2925ના રોજ સર્જાયેલા ભીષણ ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે સરકારી તંત્ર અને બેદરકાર અધિકારીઓ સામે કડક વલણ અખત્યાર કર્યું છે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠ સમક્ષ યોજાયેલી સુનાવણીમાં સરકારે આ દુર્ઘટના અંગેનો SIT નો તપાસ અહેવાલ સીલ કવરમાં રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તંત્રને આકરા સવાલો કરતા પૂછ્યું હતું કે, “તમે હંમેશાં આવી મોટી દુર્ઘટનાઓ બન્યા પછી જ કેમ જાગો છો? આ ઘટના સર્જાઈ તે પહેલાં ફેક્ટરીનું ઇન્સ્પેક્શન કેમ કરવામાં નહોતું આવ્યું?” ગેરકાયદેસર રીતે ચાલતી આ ફેક્ટરીમાં 7 માસૂમ બાળકો સહિત 27 શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું અને ત્યાં બાળમજૂરી કરાવાતી હોવાનું પણ કોર્ટ સમક્ષ સામે આવ્યું છે.

હાઈકોર્ટની તંત્રને ટકોર

સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા તીખા સવાલો કર્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, “આ દુર્ઘટના પહેલા કોઈ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું? આવી દુર્ઘટનાઓ પછી જ તંત્ર કેમ જાગે છે?” હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ઇન્સ્પેક્શનની જવાબદારી જિલ્લા મેજિસ્ટ્રેટની હોય છે અને ૨૦૨૫માં થયેલું ઇન્સ્પેક્શન અસ્પષ્ટ હોવાથી તે સ્વીકારી શકાય નહીં. કોર્ટે સરકારને આ બાબતે સ્પષ્ટ રિપોર્ટ ફરીથી ફાઈલ કરવા નિર્દેશ આપ્યો છે.

સરકારી કાર્યવાહી અને જવાબદારી

સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ પૂર્ણ થઈ છે અને ૭ સરકારી કર્મચારીઓને (લેબર અને રેવન્યુ વિભાગના) જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. તેમની સામે ખાતાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે અને શો-કોઝ નોટિસ આપવામાં આવી છે. દીપક ટ્રેડર્સના લાયસન્સ મામલે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમણે લાયસન્સ રિન્યુ કરવામાં ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ સુરક્ષાના ભાગરૂપે રાજ્યભરમાં આવા 34 યુનિટ બંધ કરવામાં આવ્યા છે.

પૂર્વવર્તી ઘટનાઓ અને SIT ની રચના

સુનાવણી દરમિયાન અરજીમાં રાજ્યમાં બનેલી અન્ય દુર્ઘટનાઓ જેવી કે અરવલ્લી (2023), બાપુનગર અમદાવાદ (2023), અને વાંચ ગામમાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સિવાય રાજકોટના TRP ગેમ ઝોન દુર્ઘટનાનો પણ સંદર્ભ લેવામાં આવ્યો છે. આ સમગ્ર કેસની તપાસ માટે સરકારે ૫ સભ્યોની SIT અને એક હાઈલેવલ કમિટીની રચના કરી છે, જે ક્યાં ચૂક રહી ગઈ તેની તપાસ કરી રહી છે. હાલમાં મુખ્ય આરોપીઓ (વખાર માલિક બાપ-દીકરો)ની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે સાપરાધ મનુષ્યવધ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કેસ નોંધાયો છે. આ કેસની વધુ સુનાવણી જુલાઈ માસમાં હાથ ધરવામાં આવશે, જેમાં કોર્ટે વખારના માલિકોને પણ પક્ષકાર બનાવવા આદેશ આપ્યો છે.