RAJKOT NEWS: રાજકોટના સોની બજારમાંથી 19 બાળમજૂરોને મુક્ત કરાવ્યા બાદ વર્ષ 2018ના ‘ધડ વગરના માથા’ની મર્ડર મિસ્ટ્રી ઉકેલવામાં રાજકોટ પોલીસને મળેલી મોટી સફળતા બાદ હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના 14 વર્ષીય માસૂમ બાળક શુભમ હાસદાની ઘાતકી હત્યાના કેસમાં કાયદાકીય પુરાવા વધુ મજબૂત કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને એસ.ઓ.જી.ની ટીમ આજે બપોરે મુખ્ય આરોપી અને બાળ તસ્કરીના દલાલ અજીતમૌલા ઉર્ફે અજમતમૌલાને જેલમાંથી કબ્જો મેળવ્યા બાદ સીધી ઘટનાસ્થળે લઈ ગઈ હતી.

પોલીસે આરોપીને સાથે રાખીને આજી નદીના પટમાં એ ચોક્કસ જગ્યાઓની ઓળખ કરી હતી, જ્યાં વર્ષ 2018માં આરોપીએ માસૂમ શુભમનું ગળું કાપી, લાશના કટકા કોથળામાં ભરીને જુદી જુદી જગ્યાએ ફેંક્યા હતા. આરોપીએ ડર્યા વગર પોલીસ સમક્ષ કઈ રીતે લાશનો નિકાલ કર્યો હતો તેની વિગતો વર્ણવી હતી. નદીના પટ ઉપરાંત, પોલીસ ટીમ આરોપી અજીતમૌલાના નિવાસસ્થાને પણ પહોંચી હતી. આ એ જ ઘર છે જ્યાં પશ્ચિમ બંગાળથી લવાયેલા ગરીબ બાળકોને બંધક બનાવીને અમાનુષી સ્થિતિમાં રાખવામાં આવતા હતા. પોલીસે આરોપીની હાજરીમાં ઘરમાં એ જગ્યાનું પણ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું જ્યાં શુભમે મજૂરી કરવાની ના પાડી વતન જવાની જીદ પકડતા આરોપીએ ઉશ્કેરાઈને તેની ક્રૂર હત્યા કરી નાખી હતી.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં સાયન્ટિફિક પુરાવો એટલે કે મૃતક શુભમના માતા-પિતાનો ડીએનએ રિપોર્ટ ઓલરેડી પોઝિટિવ આવી ચૂક્યો છે. હવે ઘટનાસ્થળનું રીકન્સ્ટ્રક્શન અને આરોપીની ઓળખના આધારે કોર્ટ સમક્ષ વટહુકમ અને મજબૂત ચાર્જશીટ રજૂ કરવામાં પોલીસને મોટી મદદ મળશે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારના લોકો પણ નરાધમ હત્યારાને જોવા ઉમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે લોખંડી બંદોબસ્ત જાળવી રાખ્યો હતો.



