life style news : ભારતીય ઘરોમાં જ્યારે પણ કોઈ તહેવાર હોય, ઘરમાં કોઈ મહેમાન આવવાના હોય કે પછી રવિવારનો સ્પેશિયલ નાસ્તો બનાવવાનો હોય, તો મેનૂમાં ‘પૂરી-ભાજી’નું નામ સૌથી પહેલા મગજમાં આવે છે. ગરમાગરમ ફૂલેલી પૂરીઓ જોઈને જ મોંમાં પાણી આવી જાય છે. પરંતુ જેવું કડાઈ ભરીને તેલ ગરમ કરવાની વાત આવે, એટલે ફિટનેસ લવર્સ, વજન ઉતારવા માંગતા લોકો અને દિલના દર્દીઓનું મૂડ ખરાબ થઈ જાય છે. વધતા વજન, ફેટ અને હાઈ કોલેસ્ટ્રોલના ડરથી ઘણા લોકો મન મારીને પૂરી ખાવાનું ટાળતા હોય છે.
પણ જો હવે તમને તેલમાં તળ્યા વિના જ સ્વાદિષ્ટ પૂરી ખાવા મળે તો કેવી મજા પડી જાય? જી હાં, સોશિયલ મીડિયા પર અત્યારે એક જબરદસ્ત કિચન હેક જેની મદદથી તમે એક પણ ટીપું તેલ વાપર્યા વિના પ્રેશર કુકરમાં ફુગ્ગા જેવી ફુલેલી અને એકદમ સોફ્ટ પૂરી બનાવીને તેની મજા માણી શકશો. આવો જાણીએ આ અનોખી, હેલ્ધી અને ઝીરો ઓઇલ રેસિપી વિશે…

ઓઇલ ફ્રી પૂરી બનાવવા માટેની જરૂરી સામગ્રી
આ હેલ્ધી પૂરી બનાવવા માટે તમારે કોઈ ખાસ કે મોંઘી વસ્તુઓની જરૂર નથી. રસોડામાં હાજર સામાન્ય સામગ્રીથી જ આ પૂરી તૈયાર થઈ જશે
- ઘઉંનો લોટ: 2 કપ
- અજમો: અડધી ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
- પાણી: લોટ બાંધવા માટે (હળવું હૂંફાળું પાણી)
કેવી રીતે પ્રેશર કુકરમાં તેલ વગર ફૂલશે પૂરીઓ?
સૌ પ્રથમ ઘઉંના લોટમાં અજમો, થોડું મીઠું ઉમેરીને હૂંફાળા પાણીથી મીડિયમ કડક લોટ બાંધી લો. લોટને 10 મિનિટ સેટ થવા દીધા બાદ તેની નાની-નાની પૂરીઓ વણી લો.
હવે, પ્રેશર કુકરમાં નીચે થોડું પાણી ભરો અને તેની અંદર એક સ્ટેન્ડ મૂકો. સ્ટેન્ડની ઉપર કાણાંવાળી પ્લેટ (જે મોમોઝ કે ઈડલી બાફવા માટે વપરાય છે) મૂકીને તેના પર વણેલી પૂરીઓ ગોઠવી દો. કુકરનું ઢાંકણ બંધ કરી (સીટી કાઢીને) તેને માત્ર 4 થી 5 મિનિટ વરાળમાં થવા દો. વરાળના કારણે આ પૂરીઓ તેલ વિના જ એકદમ સરસ રીતે ચડી જશે અને ફુગ્ગાની જેમ ફૂલીને સોફ્ટ બની જશે. ત્યારબાદ તેને બહાર કાઢી સહેજ ડ્રાય કરીને ગરમાગરમ શાક સાથે સર્વ કરો.
આ રીતથી પૂરી ખાવાનો સ્વાદ પણ જળવાઈ રહેશે અને શરીરમાં નકામી કેલરી કે બેડ કોલેસ્ટ્રોલ જવાનો ડર પણ હંમેશા માટે ખતમ થઈ જશે. તો મોંઘા તેલના ડબ્બાના ભાવથી ચિંતા મુક્ત થઈને, આજે જ રસોડામાં આ દેશી જુગાડ ટ્રાય કરો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ તરફ એક કદમ આગળ વધો.




