Gujarat Ni Vaat

માતા-પિતાનું સપનું અધૂરું રહ્યું: નીટ પેપર લીકની ઘટનાથી વ્યથિત વિદ્યાર્થીએ જીવનલીલા સંકેલી લીધી

Share On :

INDIA NEWS : દેશભરમાં NEET-UG 2026 પરીક્ષાને લઈને ચાલી રહેલા વિવાદ અને પેપર લીકના આક્ષેપો વચ્ચે એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં એક તેજસ્વી વિદ્યાર્થીએ પરીક્ષા રદ થવાના અને ભવિષ્યના તણાવમાં આવીને પોતાના ઘરે ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઈસાનગર પોલીસ સ્ટેશન વિસ્તારના હસનપુર કટૌલી ગામના વતની અનૂપ મિશ્રાનો 20 વર્ષીય પુત્ર ઋત્વિક છેલ્લા ત્રણ વર્ષથી મેડિકલમાં પ્રવેશ માટે NEET ની તૈયારી કરી રહ્યો હતો. આ વર્ષે તેણે ત્રીજી વખત પરીક્ષા આપી હતી અને તેને મક્કમ વિશ્વાસ હતો કે તે સારા માર્ક્સ સાથે ઉત્તીર્ણ થશે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં નીટ પેપર લીક અને પરીક્ષા રદ થવાની ચાલી રહેલી ચર્ચાઓને કારણે તે ભારે માનસિક દબાણમાં હતો.

ગુરુવારે બપોરે જ્યારે ઋત્વિકે લાંબા સમય સુધી પોતાના રૂમનો દરવાજો ન ખોલ્યો, ત્યારે પરિવારે બારીમાંથી જોતા તે ફાંસીના ફાંતે લટકતો મળી આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ ફરી એકવાર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ અને તેના કારણે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરો તરફ ધ્યાન દોર્યું છે. એક બાજુ પેપર લીક કરનારા માફિયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, બીજી બાજુ પ્રમાણિકતાથી મહેનત કરનાર વિદ્યાર્થીઓ હતાશામાં આવીને આત્મહત્યા જેવા આકરા પગલાં ભરી રહ્યા છે.