Election Commission’s decision : ભારતીય ચૂંટણી પંચે દેશના લોકતાંત્રિક માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પંચ દ્વારા દિલ્હી અને મહારાષ્ટ્ર સહિત કુલ 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ ગહન સુધારણા (SIR)ના ત્રીજા તબક્કાની શરૂઆત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ એક વ્યાપક મહાઅભિયાન છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાં રહેલી ક્ષતિઓ દૂર કરવાનો અને નવા પાત્ર મતદારોના નામ ઉમેરવાનો છે. આ અભિયાન અંતર્ગત ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી કરવામાં આવશે જેથી છેવાડાના મતદાર સુધી પહોંચી શકાય.
બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘર-ઘર સંપર્ક અભિયાન
આ વિશેષ અભિયાનની સૌથી મહત્વની કડી બૂથ લેવલ ઓફિસર (BLO) છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ તબક્કા દરમિયાન અંદાજે 3.94 લાખથી વધુ BLO મેદાનમાં ઉતરશે. આ અધિકારીઓ કુલ 36.73 કરોડ જેટલા મતદારોના ઘરે-ઘરે જઈને રૂબરૂ સંપર્ક કરશે. આ પ્રક્રિયા દરમિયાન મતદારોની વિગતોની ચકાસણી કરવામાં આવશે અને જેમના નામ યાદીમાં નથી અથવા જેમાં કોઈ ફેરફારની જરૂર છે, તેમની વિગતો સુધારવામાં આવશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સિવાયના લગભગ તમામ પ્રદેશો આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.
વિવિધ રાજ્યો માટે જાહેર કરાયેલું સમયપત્રક
ચૂંટણી પંચે આ કામગીરી માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે, જે મુજબ 1 જુલાઈ 2026 થી SIRની કામગીરીનો પ્રારંભ થશે. વિવિધ રાજ્યોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની તારીખો પણ અલગ-અલગ રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ઓડિશા, મિઝોરમ, સિક્કિમ અને મણિપુરમાં 6 સપ્ટેમ્બર 2026ના રોજ અંતિમ યાદી બહાર પડશે, જ્યારે ઉત્તરાખંડમાં 15 સપ્ટેમ્બરે અને આંધ્રપ્રદેશ, હરિયાણા તથા ચંદીગઢમાં 22 સપ્ટેમ્બરે યાદી પ્રસિદ્ધ થશે. તે જ રીતે તેલંગાણા અને પંજાબમાં 1 ઓક્ટોબર, જ્યારે મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, મેઘાલય અને ઝારખંડમાં 7 ઓક્ટોબર 2026ના રોજ આખરી ઓપ આપવામાં આવશે.
અગાઉની કામગીરી અને ભાવિ આયોજન
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ અત્યાર સુધીમાં ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના 13 રાજ્યોમાં સફળતાપૂર્વક SIRની કામગીરી પૂર્ણ કરી ચૂક્યું છે. આ સુધારેલી મતદાર યાદીઓના આધારે જ બિહાર સહિત છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજવામાં આવી છે. ત્રીજા તબક્કાની આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ માત્ર હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા અમુક વિસ્તારો બાકી રહેશે, જ્યાં આગામી સમયમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કવાયત વસ્તી ગણતરી હેઠળ ચાલી રહેલી હાઉસ લિસ્ટિંગની કામગીરી સાથે તાલમેલ બેસાડીને આયોજિત કરવામાં આવી છે.




