TAPI NEWS: તાપી જિલ્લામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા વધુ એક સફળ ટ્રેપ હાથ ધરવામાં આવ્યો છે. ખેડૂતોને સરકારની સહાય યોજના હેઠળ મળતા મફત બિયારણના લાભ બદલ લાંચ માંગવાના આક્ષેપ વચ્ચે ગ્રામસેવક અને એક ખાનગી વ્યક્તિને રૂ.650ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સરકારી યોજનાઓમાં ભ્રષ્ટાચાર સામે એસીબીની સતર્કતા ફરી એકવાર સામે આવી છે.મળતી માહિતી મુજબ, ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ ખેતીવાડી વિભાગની “નિદર્શન કીટ સહાય યોજના-2026” હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને મફતમાં આપવામાં આવતા ડાંગર અને જુવારના બિયારણ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી હતી.
અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભ મેળવવા માટે ગ્રામસેવક દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ કેસમાં આરોપી તરીકે જીવણભાઈ બીટીયાભાઈ ગામીત (ઉંમર 33 વર્ષ), જે ડોસવાડા સેજોમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવે છે અને ટોકરવા સેજોનો ચાર્જ સંભાળે છે, તેમનું નામ સામે આવ્યું છે. ફરિયાદ મુજબ તેમણે ડાંગરના બિયારણ માટે રૂ.300 અને જુવારના બિયારણ માટે રૂ.350 મળી કુલ રૂ.650ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવા ઈચ્છા ન હોવાથી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એસીબી અધિકારીઓએ ટ્રેપ ગોઠવવાનો નિર્ણય લીધો હતો.
આયોજન મુજબ ફરિયાદીને આરોપી દ્વારા જણાવાયેલા સ્થળે મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન આરોપી ગ્રામસેવકે ફરિયાદીને લાંચની રકમ સીધી પોતાની પાસે નહીં પરંતુ સોનગઢ એ.પી.એમ.સી. માર્કેટમાં આવેલી બજરંગ એગ્રો એજન્સીને આપવા સૂચના આપી હતી. આ સંદર્ભમાં અક્ષય રાજેન્દ્રભાઈ કેરલ (ઉંમર 30 વર્ષ), જે બજરંગ એગ્રો એજન્સી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, તેમની ભૂમિકા પણ તપાસમાં સામે આવી હતી. તા. 17 જૂન, 2026ના રોજ સોનગઢ એ.પી.એમ.સી. માર્કેટ ખાતે આવેલી બજરંગ એગ્રો એજન્સીના ગોડાઉનમાં એસીબીની ટીમે ટ્રેપ ગોઠવ્યો હતો. ટ્રેપ દરમિયાન આરોપી અક્ષય કેરલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને રૂ.650ની લાંચની રકમ સ્વીકારી હતી. ત્યારબાદ એસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ટ્રેપ દરમિયાન સ્વીકારવામાં આવેલી રૂ.650ની સંપૂર્ણ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓની સંડોવણી સામે આવતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ટ્રેપની કામગીરી તાપી એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. ગામીતના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન એસીબી સુરત એકમના મદદનીશ નિયામ આર.આર. ચૌધરીએ સુપરવિઝન અધિકારી તરીકે દેખરેખ રાખી હતી. ઉપરાંત, વડોદરા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના ઇન્ચાર્જ નાયબ નિયામક બી .એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એસીબીએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ સરકારી કર્મચારી કે અન્ય વ્યક્તિ દ્વારા સરકારી કામના બદલામાં લાંચની માંગણી કરવામાં આવે તો તાત્કાલિક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કરી માહિતી આપવી. ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડતમાં જનસહયોગ મહત્વપૂર્ણ હોવાનું એસીબી દ્વારા જણાવાયું છે.



