SURAT NEWS: સુરત શહેરમાં નોંધાયેલા રૂ.3.50 લાખના લિફ્ટ કેબલ ચોરીના ગંભીર ગુનામાં ઉત્રાણ પોલીસને મોટી સફળતા મળી છે. નવી બની રહેલી સાઇટમાંથી પાંચ બોક્સ કેબલની ચોરી કરીને ગુનાનો ભેદ છુપાવવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ચોરાયેલા કેબલમાંથી કોપર વાયર કાઢી તેને વેચી દેતો હતો અને પુરાવાનો નાશ કરવા માટે કેબલને સળગાવી દેતો હતો. આ રીતે તે લાંબા સમયથી ચોરીના ગુનાને અંજામ આપતો હતો. આ સમગ્ર ગુનાનો ભેદ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઉકેલવામાં આવ્યો છે.
આરોપી રિક્ષામાં રેકી કરી રાત્રી દરમિયાન સાઇટને ટાર્ગેટ કરતો હતો અને બાદમાં ચોરીની ઘટના અંજામ આપતો હતો. પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે આરોપી પાસેથી રૂ.5 હજારના કોપર વાયરના અવશેષો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ચોરી કરાયેલ સામગ્રીને વેચીને તે આર્થિક લાભ મેળવતો હતો. આ ગુનો કાસા સિયેલો રેસિડન્સી પ્રોજેક્ટમાંથી થયેલી કેબલ ચોરી સાથે જોડાયેલો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે, જેના કારણે અનડિટેક્ટ રહેલા કેસનો પણ ભેદ ઉકેલાયો છે. પોલીસે સંજય નટુ દંતાણી નામના આરોપીની ધરપકડ કરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ રહ્યો છે અને તે અનેક ચોરીના કેસોમાં સંડોવાયેલો રહ્યો છે. ઉત્રાણ પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીના કારણે આ અનડિટેક્ટ ઘરફોડ ચોરીના કેસનો સફળ ઉકેલ આવ્યો છે. પોલીસ હવે આરોપીના અન્ય સંભવિત સાથીદારો અને ચોરીના નેટવર્ક અંગે વધુ તપાસ કરી રહી છે. આ મામલે DCP લખધીર સિંહ ઝાલાએ જણાવ્યું કે શહેરમાં આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને બાંધકામ સાઇટ્સની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવશે.



