SURAT NEWS : ડાયમંડ સિટી સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં સરાજાહેર ખેલાયેલા ખૂની ખેલમાં એક યુવકની તેના જ અંગત મિત્રોએ ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી હત્યા કરી દેતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ‘મિત્ર જ મિત્રનો દુશ્મન’ બન્યો હોય તેવી આ ઘટનાએ સુરતની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જાહેરમાં ખેલાયો લોહિયાળ ખેલ
મળતી માહિતી મુજબ, લિંબાયત વિસ્તારમાં આવેલી ‘હિન્દ ટી’ પાસે મોડી સાંજે આ ઘટના બની હતી. મૃતક યુવકની ઓળખ ઈશરદ ખાન તરીકે થઈ છે. ઈશરદ ખાન જ્યારે જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાર જેટલા અસામાજિક તત્વોએ તેને ઘેરી લીધો હતો. કોઈ કંઈ સમજે તે પહેલા જ હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર (ચપ્પુ) વડે તેના પર જીવલેણ હુમલો શરૂ કરી દીધો હતો.

વતનના ઝઘડાનો રાખ્યો ખાર!
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક અને હુમલાખોરો એકબીજાના પરિચિત હતા. તેઓ વચ્ચે લાંબા સમયથી ‘વતનના ઝઘડા’ ને લઈને તણાવ ચાલી રહ્યો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને મિત્રોએ જ ઈશરદને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. જાહેરમાં થયેલા આ હુમલામાં ઈશરદ ખાન લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસતો રહ્યો હતો. આસપાસના લોકો માત્ર તમાશો જોતા રહ્યા અને ગભરાટના માર્યા કોઈ તેને બચાવવા આગળ આવ્યું નહીં.
સારવાર દરમિયાન તોડ્યો દમ
હુમલો કર્યા બાદ ચારેય હુમલાખોરો અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ ઈશરદને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ શરીરમાંથી વધુ પડતું લોહી વહી જવાને કારણે અને ફેફસા-હૃદયના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં આક્રંદ છવાઈ ગયો છે.
પોલીસની કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ લિંબાયત પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. લિંબાયત પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ફરાર થઈ ગયેલા ચારેય હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરોની ઓળખ થઈ ચૂકી છે અને તેમને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.




