Gujarat Ni Vaat

એક પળનો વળાંક અને જિંદગીનો આખરી શ્વાસ: સુરતમાં રત્નકલાકાર સાથે બનેલી આ ઘટના કાળજું કંપાવી દેશે!

Share On :

SURAT NEWS: સુરતના પાસોદરા ગઢપુર રોડ પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ પરથી પસાર થઈ રહેલા એક રત્નકલાકારે પોતાની મોટરસાયકલ પરથી અચાનક કાબૂ ગુમાવતાં તેઓ રોડ પર પટકાયા હતા અને પાછળથી આવી રહેલી ટ્રકના વ્હીલ નીચે આવી ગયા હતા. ટ્રકનું ટાયર માથા પરથી ફરી વળતાં રત્નકલાકારનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર અકસ્માતની કંપારી છૂટી જાય તેવી ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર, 36 વર્ષીય મયુરભાઈ બાબુભાઈ ગાબાણી (વ્યવસાયે રત્નકલાકાર) પોતાના બાઈક પર પાસોદરા ગઢપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. સર્જન લક્ઝરીયા બિલ્ડિંગની સામે અચાનક કોઈ કારણોસર તેમનું બાઈક સ્લિપ થયું હતું અને તેઓ રોડ પર ફેંકાયા હતા. આ જ સમયે બાજુમાંથી પસાર થઈ રહેલી ટ્રકના પાછળના વ્હીલ નીચે તેમનું માથું આવી જતાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.

અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ લસકાણા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતક મયુરભાઈના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આગળની વધુ તપાસ લસકાણા પોલીસ ચલાવી રહી છે.