SURAT NEWS : બોલિવૂડના વિવાદિત અને દિગ્ગજ ફિલ્મ ડાયરેક્ટર તેમજ લેખક અનુરાગ કશ્યપની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ અભદ્ર અને વાંધાજનક ટિપ્પણી કરવાના મામલે સુરત કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે અનુરાગ કશ્યપ સામે માનહાનિનો ફોજદારી ગુનો નોંધવાનો ઐતિહાસિક હુકમ કરી સમન્સ પાઠવ્યું છે, જેને પગલે હવે આગામી દિવસોમાં બોલિવૂડ ડાયરેક્ટરે સુરત કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવું પડશે.
શું હતો વિવાદ?
આ સમગ્ર વિવાદ ગત વર્ષે શરૂ થયો હતો. ફિલ્મમેકર અનુરાગ કશ્યપ દ્વારા ગત ૧૯ માર્ચ ૨૦૨૫ના રોજ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ (ટ્વીટ) કરવામાં આવી હતી. આ પોસ્ટમાં બ્રાહ્મણ સમુદાયને ટાર્ગેટ કરીને અત્યંત અભદ્ર અને અપમાનજનક લખાણ લખવામાં આવ્યું હતું. આ વિવાદિત પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતના બ્રાહ્મણ સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી.

સુરતના વકીલ દ્વારા કાનૂની લડત
અનુરાગ કશ્યપ દ્વારા સમાજની ગરિમાને ઠેસ પહોંચાડતી આ હરકત સામે સુરતના જાણીતા વકીલ કમલેશ રાવલ દ્વારા કાનૂની મોરચો ખોલવામાં આવ્યો હતો. એડવોકેટ કમલેશ રાવલે આ મામલે કડક પગલાં લેવાની માંગ સાથે સુરતની અદાલતમાં કશ્યપ વિરુદ્ધ ફોજદારી માનહાનિની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી હતી કે, અભિવ્યક્તિની આઝાદીના નામે કોઈપણ સેલિબ્રિટીને સોશિયલ મીડિયા પર કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાયનું સાર્વજનિક અપમાન કરવાનો અધિકાર નથી.
14 મહિના બાદ કોર્ટનો આદેશ
આ કાનૂની કેસમાં તમામ પુરાવાઓ, ટ્વિટર પોસ્ટની નકલો અને કાનૂની દલીલોને ધ્યાને લીધા બાદ, ઘટનાના આશરે ૧૪ મહિના પછી સુરત કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કાયદાની ગરિમા સર્વોપરી રાખતા અનુરાગ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો ગુનો નોંધવાનો પોલીસ અને સંબંધિત વિભાગને આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે આરોપી ડાયરેક્ટરને કાયદાકીય સમન્સ જારી કરીને કોર્ટ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું છે. આ ચુકાદા બાદ સુરતના કાનૂની વર્તુળો અને બ્રાહ્મણ સમાજમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે.




