Gujarat Ni Vaat

રાજકોટમાં વોલ્વોના વ્હીલ નીચે કચડાયા વાહનો: મહાપૂજા ધામ ચોક નજીક બેફામ કારે મચાવ્યો હાહાકાર!

Share On :

RAJKOT NEWS : રાજકોટના વ્યસ્ત ગણાતા પૂજા ધામ ચોક પાસે આજે એક બેફામ વોલ્વો કારે કાળો કેર વર્તાવ્યો હતો. પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા માર્ગ પર પસાર થઈ રહેલા ૫થી વધુ વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના બાદ ભાગવા જઈ રહેલા કારચાલકને જાગૃત નાગરિકોએ પકડી પાડી, કાયદાના પાઠ ભણાવી પોલીસને હવાલે કર્યો હતો.આ અકસ્માતને પગલે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પૂજા ધામ ચોક પાસેથી પસાર થઈ રહેલી એક લક્ઝરી વોલ્વો કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી એકસાથે ટુ-વ્હીલર અને અન્ય ફોર-વ્હીલર સહિતના વાહનોને હડફેટે લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વાહનોનો કુરચો બોલી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા કારચાલકને સ્થાનિક લોકોએ પીછો કરીને ઝડપી પાડ્યો હતો. લોકોએ ચાલકને મેથીપાક ચખાડી તેને પોલીસના હવાલે કર્યો હતો.

પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકની બેદરકારી અથવા કારની અતિશય ગતિ અકસ્માતનું કારણ હોવાનું મનાય રહ્યું છે. આ અકસ્માતમાં ૫થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ વાહનોને ભારે નુકસાન થયું છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી તપાસ હાથ ધરી છે. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.