Gujarat Ni Vaat

ઠોકર મારીને ઊભા રહેવાની પણ તસ્દી ન લીધી : રાજકોટમાં અકસ્માત સર્જી કાર ચાલક ફરાર, વૃદ્ધનું મોત

Share On :

Rajkot accident news : રાજકોટના રાજમાર્ગો ફરી એકવાર રકત રંજીત બન્યા છે, જેમાં શહેરના મધ્યમાં આવેલા મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે આજે સવારના સમયે એક અત્યંત ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાયકલ લઈને પસાર થઈ રહેલા વયોવૃદ્ધ નટવરલાલ રાઠોડને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કારના ચાલકે જોરદાર ઠોકર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે નટવરલાલ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ અફસોસની વાત એ છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક માનવતા નેવે મૂકી મદદ કરવાને બદલે પળવારમાં ગાડી ભગાવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

સીસીટીવી ફૂટેજ અને પોલીસ કાર્યવાહી

આ સમગ્ર હૃદયદ્રાવક અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે વૃદ્ધ પોતાની મર્યાદિત ગતિએ સાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવતી કારે તેમને અડફેટે લીધા હતા. મળતી માહિતી મુજબ, ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કાર ચાલકની ઓળખ મેળવવા અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે અવારનવાર સર્જાતા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.