RAJKOT NEWS: રાજકોટ શહેરના રૈયા રોડ પર ગઈકાલે બનેલી ગંભીર અકસ્માતની ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીર વયના વાહન ચાલકે પૂરપાટ ઝડપે વાહન ચલાવી ગંભીર અકસ્માતને અંજામ આપ્યો હતો. આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જો કે, અકસ્માતની આ ઘટનામાં અન્ય જવાબદારોને બચાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપોને પગલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તટસ્થ સમીક્ષા કરવામાં આવી રહી છે.
ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહી
ગઈકાલે રૈયા રોડ જેવા ભરચક વિસ્તારમાં એક સગીર વયના ચાલકે બેફામ ગતિએ વાહન હંકારીને નિર્દોષ લોકોને અડફેટે લીધા હતા અને ગંભીર અકસ્માત સર્જ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગાંધીગ્રામ પોલીસની ટીમ તુરંત એક્શનમાં આવી હતી અને કાયદાના પ્રાવધાન મુજબ ગુનો દાખલ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી હતી.
પિતા અને કારચાલકને બચાવી લેવાયાના આક્ષેપ પર પોલીસ પર સવાલો
આ અકસ્માત બાદ સ્થાનિકો અને પીડિત પક્ષ તરફથી ગંભીર આક્ષેપો ઉઠ્યા છે કે, ગાડીના માલિક એવા સગીરના પિતા અને અકસ્માત સમયે હાજર હોવાની આશંકા ધરાવતા મૂળ કાર ચાલકને બચાવી લેવા માટે પોલીસ પર કોઈ રાજકીય કે આર્થિક વગનું દબાણ હોઈ શકે છે. માત્ર સગીર સામે ગુનો નોંધીને જવાબદાર પુખ્ત વયના વ્યક્તિઓ સામે ઢીલું વલણ દાખવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.આ ચર્ચાઓ અને આક્ષેપો અંગે મીડિયા સાથે વાતચીત કરતા રાજકોટ શહેર પોલીસના ACP રાજેશ બારિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પોલીસ કોઈપણ પ્રકારના દબાણ હેઠળ કામ કરી રહી નથી.
તેમણે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, “રૈયા રોડ અકસ્માત મામલે હાલ પ્રાથમિક પુરાવાઓના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ આ કેસમાં તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન જે કોઈ પણ વ્યક્તિ, પછી ભલે તે સગીરના પિતા હોય કે અન્ય કોઈ કારચાલક, જો તેમની સંડોવણી કે બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાયદો બધા માટે સમાન છે અને ગુનેગાર ગમે તેટલો વગદાર હશે તો પણ તેને છોડવામાં નહીં આવે.”
આગળની તપાસના ચક્રો ગતિમાન
ગાંધીગ્રામ પોલીસ હાલ ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે એ ક્રોસ-વેરિફાઈ કરી રહી છે કે અકસ્માત સમયે વાહન કોણ ચલાવી રહ્યું હતું અને સગીરના હાથમાં વાહનની ચાવી સોંપવા પાછળ કોણ જવાબદાર હતું. મોટર વ્હીકલ એક્ટ મુજબ સગીરને વાહન આપવા બદલ વાહનના માલિક-પિતા સામે પણ કાયદેસરની કલમો ઉમેરવાની તજવીજ પોલીસ તપાસના અંતે કરવામાં આવશે. રાજકોટ પોલીસ જનતાને ખાતરી આપે છે કે આ કેસમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવશે.




