AHEMDABAD NEWS: અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સંકુલ ખાતે આવેલી વિશેષ પોક્સો અદાલતે સમાજને ધ્રુજાવી દેનારા એક અત્યંત સંવેદનશીલ કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. સાણંદની કન્યા છાત્રાલયમાંથી 14 વર્ષીય માસૂમ સગીરાનું ખોટી ઓળખ આપી અપહરણ કરવાના અને ત્યારબાદ તેના પર અવારનવાર પાશવી દુષ્કર્મ આચરવાના ગુનામાં અદાલતે બંને નરાધમ આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે નરાધમતા આચરનારા તત્વો સામે કાયદો અત્યંત કડક હાથ કામ લેશે.
ઘટનાની વિગતો મુજબ, આરોપી સુલતાન હારૂન એક કન્યા છાત્રાલયમાં ગયો હતો અને ત્યાં પોતાને પીડિત 14 વર્ષીય સગીરાના ‘સગા કાકા’ તરીકે ઓળખાવી, છાત્રાલયના સત્તાધીશોને ગેરમાર્ગે દોરી સગીરાને પોતાની સાથે લઈ આવ્યો હતો. અપહરણ કર્યા બાદ સુલતાને આ માસૂમ બાળકીને 40 વર્ષીય આધેડ આરોપી સાહિલ કુમાર મકવાણાના હવાલે કરી દીધી હતી. સાહિલ કુમારે સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી તેની મરજી વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે સાણંદ પોલીસે બંને નરાધમો સામે આઈ.પી.સી., પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ આકરી કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ ચકચારી કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના વિશેષ પોક્સો જજ બિંદુ એસ. મહેતાની અદાલતમાં ચાલવા ઉપર આવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભરતસિંહ સી. રાઠોડ દ્વારા કોર્ટ સમક્ષ અત્યંત ધારદાર અને કાનૂની દલીલો રજૂ કરવામાં આવી હતી. સરકારી વકીલે ભોગ બનનાર સગીરાની જુબાનીને સમર્થન આપતા વૈજ્ઞાનિક અને પરિસ્થિતિજન્ય પુરાવા રજૂ કર્યા હતા. સમગ્ર ટ્રાયલ દરમિયાન પ્રોસિક્યુશન પક્ષ દ્વારા કુલ 19 મહત્વના સાક્ષીની જુબાની લેવામાં આવી હતી અને36 જેટલા મજબૂત દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. આ પુરાવાઓના આધારે સાબિત થયું હતું કે આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને આ જઘન્ય ગુનાને અંજામ આપ્યો હતો.
જો કે, વિશેષ અદાલતે બચાવ પક્ષની આ તમામ વાહિયાત દલીલોને ધરાર ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે ભોગ બનનાર કાયદાકીય રીતે સગીર હોય, ત્યારે તેની સંમતિ કાયદાની નજરમાં કોઈ અસ્તિત્વ ધરાવતી નથી અને કન્યા છાત્રાલયમાંથી ખોટા કાકા બનીને લઈ જવાની ઘટના જ આરોપીઓનો ગુનાહિત ઇરાદો સ્પષ્ટ કરે છે.બંને પક્ષોની દલીલો અને દસ્તાવેજોના સઘન મૂલ્યાંકન બાદ, જજ બિંદુ એસ. મહેતાએ બંને આરોપીઓ સાહિલ કુમાર મકવાણા અને સુલતાન હારૂનને ગુનેગાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને આર્થિક દંડ ફટકારતો હુકમ કર્યો છે.



