AHEMDABAD NEWS: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કુરિયર સર્વિસના ઓઠા હેઠળ ચાલતા આંતરરાજ્ય મેફેડ્રો ડ્રગ્સના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી આસુરામ ઉર્ફે અશોક બાબુલાલ હેરકંદ ભાદુ (બિશ્નોઈ)ને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે ગુનાની ગંભીરતા અને તપાસના મહત્ત્વના મુદ્દાઓને ધ્યાને રાખીને આરોપીને આગામી 29 જૂન સુધીના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો સ્પષ્ટ આદેશ કર્યો છે.
કુરિયર મારફતે બેંગલુરુ ડ્રગ્સ મોકલવાનું કૌભાંડ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૂળ રાજસ્થાનનો રહેવાસી આરોપી આસુરામ બિશ્નોઈ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી એક કુરિયર ઓફિસનો ઉપયોગ કરીને ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. તેણે આ કુરિયર મારફતે બેંગલુરુ ખાતે એમ.ડી. ડ્રગ્સના મોટા પાર્સલ મોકલ્યા હોવાના સચોટ પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. આ કૌભાંડ પાછળ કરોડો રૂપિયાના ડ્રગ્સનું આંતરરાજ્ય નેટવર્ક કામ કરી રહ્યું હોવાની પ્રબળ આશંકા છે.
મોબાઈલ ડેટા, બેંક એકાઉન્ટ અને આર્થિક વ્યવહારોની થશે તપાસ
ક્રાઇમ બ્રાન્ચની તપાસ એજન્સી હવે રિમાન્ડ દરમિયાન આરોપીના મોબાઇલ ફોનનો ડેટા રિકવર કરશે. આ ઉપરાંત, તેના કોલ ડિટેલ રેકોર્ડ ની બારીકાઈથી તપાસ કરવામાં આવશે જેથી કરીને ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય કિંગપિન કે ગેંગના સભ્યો સુધી પહોંચી શકાય. એટલું જ નહીં, આરોપીના બેંક એકાઉન્ટ્સ અને તમામ નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે. ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાયેલા રૂપિયા વડે કોઈ સ્થાવર કે જંગમ મિલકત ખરીદવામાં આવી છે કે કેમ, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવસોમાં આ કેસમાં અન્ય મોટા ઓપરેશન્સ પાર પાડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.



