Gujarat Ni Vaat

તમામ ફૂડ આઉટલેટ્સ પર થશે તપાસ, મનપા ટૂંક સમયમાં શરૂ કરશે પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબ: રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સમેરા

Share On :

RAJKOT NEWS: રાજકોટ શહેરમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને અટકાવવા અને નાગરિકોને શુદ્ધ આહાર પૂરો પાડવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ‘મેગા ડ્રાઇવ’ હવે વધુ આક્રમક બની છે. મેયરશ્રીની જાહેરાત બાદ આજે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વહીવટી તંત્રની આગામી રણનીતિ અને કડક પગલાંઓ અંગે મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે આ ઝુંબેશ માત્ર દેખાડા પૂરતી નથી, પરંતુ શહેરના પ્રત્યેક ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓએ કાયદાના દાયરામાં રહીને જ ધંધો કરવો પડશે, અન્યથા મનપા કડક હાથે કામ લેશે.

મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વહીવટી આદેશો જારી કરતા જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની તમામ ટીમોને ફિલ્ડમાં ઉતારી દેવામાં આવી છે. શહેરના કોઈ પણ વિસ્તારમાં ચાલતા નાના-મોટા તમામ ફૂડ આઉટલેટ્સ પર આકરી તપાસ કરવામાં આવશે. પ્રખ્યાત ફૂડ ચેઈન્સ અને આઉટલેટ્સ પર વપરાતા સોસ, ચીઝ અને મેયોનીઝ જેવા પદાર્થોનું ખાસ પરીક્ષણ થશે. દૂધ, માવો, પનીર અને ઘી જેવી રોજેરોજ વપરાતી ચીજોમાં થતી મિલાવટ પર વોચ રખાશે સામાન્ય નાગરિકો જ્યાં મોટી સંખ્યામાં ખાય છે તેવા ખાણીપીણીના ઝોન અને લારીઓ પર પણ ગુણવત્તાના ધોરણો ચકાસવામાં આવશે.

ભારે દંડથી લઈને આકરા કાનૂની પગલાંની વહીવટી તૈયારી

કમિશનરે વેપારી આલમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે પણ એકમ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો પકડાશે, તેની સામે મનપા આકરા આર્થિક દંડની કાર્યવાહી કરશે. એટલું જ નહીં, વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરનારા અને માનવ જિંદગીને જોખમમાં મૂકનારા ભેળસેળિયાઓ સામે લાયસન્સ રદ્દ કરવા, દુકાન સીલ કરવી અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ નામદાર કોર્ટમાં ફોજદારી ગુનો દાખલ કરવા સુધીની સખ્ત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.”

ઐતિહાસિક નિર્ણય: રાજકોટ મનપાની પોતાની ‘ફૂડ ટેસ્ટિંગ લેબ’ શરૂ થશે

આજની પત્રકાર પરિષદ અને નિવેદનમાં સૌથી મહત્વની અને ઐતિહાસિક જાહેરાત કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ફૂડ સેમ્પલ લીધા બાદ તેના રિપોર્ટ આવવામાં ઘણો સમય લાગી જતો હોય છે, જેના કારણે ભેળસેળ કરનારાઓને છટકી જવાનો મોકો મળે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજકોટ મહાનગરપાલિકા આગામી દિવસોમાં પોતાની અદ્યતન ‘ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવા જઈ રહી છે.

કમિશનરે રાજકોટની જનતાને પણ આ ઝુંબેશમાં સક્રિય ભાગીદાર બનવા આહવાન કર્યું છે. જો કોઈ નાગરિકને કોઈ પણ ખાદ્ય પદાર્થની ગુણવત્તા સામે શંકા જણાય, તો તેઓ તુરંત જ રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અથવા આરોગ્ય વિભાગનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી શકે છે. મહાનગરપાલિકાની આ સર્વગ્રાહી અને ટેકનોલોજી આધારિત મજબૂત વહીવટી પ્રક્રિયાને કારણે આગામી દિવસોમાં ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જશે તે નક્કી છે.