RAJKOT NEWS : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના જ્વલંત વિજયના પડઘા આજે રંગીલા રાજકોટમાં પણ જોવા મળ્યા હતા. રાજકોટ દક્ષિણ વિધાનસભા-70 વિસ્તારમાં વસતા હજારો બંગાળી કારીગરો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી અને મોં મીઠા કરાવીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બંગાળી સમાજ સાથે જીતની ખુશી વહેંચી હતી.

સોની બજારના 1 લાખ કારીગરોમાં હર્ષોલ્લાસ
રાજકોટના સોની બજારમાં આશરે લાખથી વધુ બંગાળી કારીગરો રોજગારી મેળવે છે, જેઓ મોટાભાગે વિધાનસભા-૭૦ વિસ્તારમાં વસવાટ કરે છે. બંગાળમાં ભાજપના વિજયથી આ કારીગરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કારીગરોએ જણાવ્યું હતું કે, “અમે વર્ષોથી ગુજરાતમાં રહીએ છીએ અને અહીંનું ‘ગુજરાત મોડલ’ અને શાંતિ જોઈ છે. હવે અમે ઈચ્છીએ છીએ કે અમારા વતનમાં પણ આવું જ વિકાસનું મોડલ અમલી બને.”

‘કટ મની’ અને ભ્રષ્ટાચારથી મુક્તિની આશા
વિજયોત્સવ દરમિયાન બંગાળી કારીગરોએ પોતાની વેદના ઠાલવતા કહ્યું હતું કે, અત્યાર સુધી બંગાળમાં ધંધો કે વ્યવસાય કરવા માટે ડગલે ને પગલે ‘કટ મની’ આપવી પડતી હતી, જેના કારણે સામાન્ય માણસનું જીવવું મુશ્કેલ હતું. પરંતુ હવે ભાજપના વિજય સાથે ત્યાં ‘રામરાજ્ય’ની સ્થાપના થશે અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આવશે તેવો અમને મક્કમ વિશ્વાસ છે.

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાનું નિવેદન
આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, “આજે રાજકોટમાં વસતા બંગાળી ભાઈ-બહેનોમાં દિવાળી જેવો માહોલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લોકોનો વિશ્વાસ વધ્યો છે. રાજકોટના વિકાસમાં આ કારીગરોનો મોટો ફાળો છે, અને આજે તેઓ પોતાના વતનમાં પરિવર્તન આવતા અત્યંત ખુશ છે. ‘જય શ્રી રામ’ના નારા સાથે આજે સાબિત થયું છે કે દેશની જનતા હવે માત્ર વિકાસ અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ પસંદ કરે છે.” સમગ્ર કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ, વોર્ડના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં બંગાળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




