kutch news : ભારત સરકારની નશાબંધી અને ડ્રગ્સ નાબૂદીની નીતિ ‘ઝીરો ટોલરન્સ’ અંતર્ગત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય એવા એક બહુ મોટા ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે. ભારતના ગુનાહિત ઇતિહાસમાં પ્રથમ વખત, અત્યંત જોખમી અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત એવા ‘કેપ્ટાગોન’ નામના સાયકોટ્રોપિક ડ્રગ્સનો વિશાળ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાતના મુન્દ્રા પોર્ટ અને નવી દિલ્હીમાં કરવામાં આવેલા સંયુક્ત ઓપરેશન દરમિયાન NCB એ કુલ 227.7 કિલોગ્રામ કેપ્ટાગોન ટેબ્લેટ્સ અને પાવડરનો જથ્થો કબ્જે કર્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹182 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
આ સફળ ઓપરેશન બાદ દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર (X) ના માધ્યમથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોCની આખી ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે અને દેશને નશામુક્ત બનાવવાની દિશામાં આ એક મોટું કદમ હોવાનું જણાવ્યું છે. આ ઓપરેશનની શરૂઆત એક વિદેશી ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી પાસેથી મળેલી અત્યંત ગુપ્ત અને ચોક્કસ માહિતીના આધારે થઈ હતી. વિદેશી એજન્સીએ ભારતીય સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી હતી કે એક મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટ ભારતની ધરતીનો ઉપયોગ કરીને પશ્ચિમ એશિયા અથવા મધ્ય પૂર્વના દેશોમાં પ્રતિબંધિત કેપ્ટાગોન ડ્રગ્સ મોકલવાની ફિરાકમાં છે.
માહિતી મળતાની સાથે જ NCB ના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. આ ટીમે દિલ્હી અને ગુજરાતમાં એકસાથે કડીઓ જોડવાનું શરૂ કર્યું હતું. NCB ની ટીમે સૌપ્રથમ નવી દિલ્હીના નેબસરાઈ વિસ્તારમાં આવેલા એક શંકાસ્પદ ઠેકાણા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને ત્યાંથી વ્યાપારી ધોરણે છાપકામ માટે ઉપયોગમાં લેવાતા મોટા કટીંગ મશીનો મળી આવ્યા હતા. જ્યારે આ લોખંડના ભારે મશીનોની બારીકાઈથી તપાસ કરવામાં આવી, ત્યારે જાણવા મળ્યું કે ડ્રગ માફિયાઓએ કટીંગ મશીનની અંદર ખાસ ગુપ્ત ખાનાઓ બનાવ્યા હતા.
કેપ્ટાગોન એ એમ્ફેટામાઈન પ્રકારનું એક અત્યંત શક્તિશાળી ઉત્તેજક સાયકોટ્રોપિક ડ્રગ છે. તેને સામાન્ય ભાષામાં “ગરીબોનું કોકેઈન” અથવા “જેહાદી ડ્રગ” પણ કહેવામાં આવે છે. મધ્ય પૂર્વના દેશો, ખાસ કરીને સીરિયા અને સાઉદી અરેબિયામાં આ ડ્રગ્સનો વપરાશ અને સ્મગલિંગ ખૂબ મોટા પાયે થાય છે. આ ઐતિહાસિક ઓપરેશન અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NCB ના ડાયરેક્ટર જનરલ અને સમગ્ર ટીમને બિરદાવતા કહ્યું કે, “આપણા દેશને નશામુક્ત બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ તરફ NCB નું આ એક અત્યંત પ્રશંસનીય પગલું છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને આટલા મોટા રેકેટનો પર્દાફાશ કરવો એ દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક ડ્રગ નેટવર્કને તોડવા માટે સંપૂર્ણ સજ્જ છે. આ ઓપરેશન બદલ NCB ની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન.”
NCB એ સીરિયન નાગરિક વિરુદ્ધ NDPS એક્ટની ગંભીર ધારાઓ હેઠળ ગુનો નોંધીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ કેસમાં આગામી દિવસોમાં હજુ પણ અનેક મોટા ખુલાસા થવાની અને વધુ ધરપકડો થવાની સંભાવના છે.




