KUCHCH NEWS : કચ્છના રાપર તાલુકાના પલાસવા ગામ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનના જેસલમેરથી ગાંધીધામ તરફ આવી રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની આ બસ જેસલમેરથી મુસાફરોને લઈને ગાંધીધામ તરફ જઈ રહી હતી. રાપર તાલુકાના પલાસવા ગામ પાસેના માર્ગ પરથી પસાર થતી વખતે બસના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવતાની સાથે જ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી જતાં જ તેમાં સવાર મુસાફરોમાં ભારે ફાળ પડી હતી અને ચીસાચીસ મચી ગઈ હતી.

સ્થાનિકો અને પોલીસની મદદ
અકસ્માતનો અવાજ સાંભળીને પલાસવા ગામના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક રહીશોએ બસની બારીઓ અને કાચ તોડીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતા જ રાપર પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરીમાં જોડાયો હતો.
ઇજાગ્રસ્તોને ભુજ રિફર કરાયા
આ અકસ્માતમાં બસમાં સવાર અનેક મુસાફરોને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, કેટલાક મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓને વધુ અને સઘન સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ તપાસ શરૂ
અકસ્માત પાછળ ચાલકની બેદરકારી હતી કે બસમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કચ્છના હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતોને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા વાહનચાલકોને સાવચેતીપૂર્વક વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.




