Manjal-Deshlpar Accident : કચ્છ: “નસીબ બળિયો તો જ જીવ બચ્યો!” નખત્રાણાના મંજલ અને દેશલપર વચ્ચેના માજીરાઈ ફાટક પાસે સર્જાયેલા દ્રશ્યો જોઈને કોઈ પણ કઠણ કાળજાના માનવીનું હૈયું ધબકારો ચૂકી જાય. લોખંડી ટ્રક અને કાર વચ્ચેની ટક્કર એટલી ભયાનક હતી કે જોતજોતામાં કારના કુરચા બોલી ગયા. અકસ્માતની આ કરુણતા વચ્ચે 4 લોકો લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક ધોરણે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કારને જોતા એમ જ લાગે કે કુદરતની કોઈ મોટી મહેરબાની જ હશે કે આ ભયાનક દુર્ઘટનામાં જાનહાનિ ટળી છે.
ઘટના શું હતી?
કચ્છ જિલ્લાના નખત્રાણા પંથકમાં આજે ગમખ્વાર અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં મંજલ અને દેશલપર ગામની વચ્ચે આવેલી માજીરાઈ ફાટક પાસે એક તેજ રફ્તાર કાર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટનાસ્થળે ચીસિયારીઓ ગુંજી ઉઠી હતી. માજીરાઈ ફાટક પાસે બનેલી આ દુર્ઘટનામાં કારમાં સવાર ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને સ્થાનિકોની મદદથી તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાથી તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે તાત્કાલિક ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના આગળના ભાગના ફુરચા ઉડી ગયા હતા અને લોખંડના પતરાં દબાઈ જવાથી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલમાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. હાઈવે પર આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.




