KUCHCH NEWS : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડીનો એક સનસનાટીપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે. ઘઉંના પાકના સારા અને ઊંચા ભાવ અપાવવાની લાલચ આપીને બે શખ્સોએ અબડાસાના 19 જેટલા ખેડૂતોને વિશ્વાસમાં લીધા હતા. જોકે, માલ મેળવ્યા બાદ ખેડૂતોને નાણાં ચૂકવવાને બદલે આ શખ્સો ₹47.13 લાખનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા છે. આ મામલે જખૌ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ખેડૂતોને તેમના ઘઉંના પાકના ઊંચા અને સારા ભાવ અપાવવાની લાલચ આપીને બે શખ્સોએ કુલ 19 જેટલા ખેડૂતો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી છે.
રમેશ મુજીરામ અને ભગુભા જાડેજા નામના બે શખ્સોએ અબડાસાના ખેડૂતોનો સંપર્ક કર્યો હતો. તેઓએ ખેડૂતોને વિશ્વાસમાં લઈ ઘઉંના સારા બજાર ભાવ અપાવવાનું વચન આપ્યું હતુ, આ શખ્સોએ ખેડૂતો પાસેથી માલ લઈ લીધા બાદ પેમેન્ટ આપ્યું ન હતું. અબડાસાના કુલ 19 ખેડૂતો સાથે મળીને ₹47.13 લાખની માતબર રકમની ઠગાઈ આચરવામાં આવી છે, લાખો રૂપિયાનું પેમેન્ટ ચૂકવ્યા વગર જ રમેશ મુજીરામ અને ભગુભા જાડેજા બંને શખ્સો રાતોરાત ફરાર થઈ ગયા હતા. ખેડૂતોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ મામલે જખૌ પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જખૌ પોલીસે ખેડૂતોની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. કચ્છમાં અવારનવાર વેપારીઓના સ્વાંગમાં આવતા ઠગ તત્વો દ્વારા ખેડૂતોને નિશાન બનાવવામાં આવે છે, ત્યારે આ કિસ્સાએ ફરી એકવાર ખેતીવાડી ક્ષેત્રે સુરક્ષા અને વિશ્વાસનો પ્રશ્ન ઉભો કર્યો છે. પોલીસ દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે આર્થિક વ્યવહાર કરતા પહેલા તેની ખરાઈ કરી લેવી.




