SOMNATH NEWS : આજનો દિવસ ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 155 ફૂટની ઊંચાઈ, 760 કિલોગ્રામનો વિશાળ કલશ અને ૧૧ પવિત્ર તીર્થોનું 1100 લિટર જળ – આ આંકડાઓ જ આ મહોત્સવની ભવ્યતાની સાક્ષી પૂરે છે. પીએમ મોદીએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે મંદિરના શિખર પર જલાભિષેક, કુંભાભિષેક અને ધ્વજારોહણ સંપન્ન કરી ધન્યતા અનુભવી હતી.
કિલોનો કલશ અને 1100 લિટર પવિત્ર જળ
આ ધાર્મિક મહોત્સવની સૌથી મોટી વિશેષતા મંદિરના 155 ફૂટ ઊંચા શિખર પર થયેલો જલાભિષેક હતો. લગભગ 760 કિલોગ્રામ વજન ધરાવતા વિશાળ કલશને ક્રેન દ્વારા મંદિરના શિખર પર પહોંચાડવામાં આવ્યો હતો. આ કલશમાં દેશના વિવિધ 11 પવિત્ર તીર્થ સ્થાનો પરથી લાવવામાં આવેલું 1100 લિટર પવિત્ર જળ ભરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ આ પવિત્ર જળથી શિખરનો અભિષેક કર્યો હતો, જે દ્રશ્ય જોઈ ભક્તો ભાવવિભોર થયા હતા.

પીએમ મોદીના હસ્તે વિશેષ પૂજા અને ધ્વજારોહણ
વડાપ્રધાન મોદીએ સોમનાથ દાદાના ગર્ભગૃહમાં વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ તેમણે મંદિરના શિખર પર નવીન ધ્વજારોહણ કર્યું હતું. આ તકે પીએમ મોદીએ મંદિરના સ્થાપત્ય અને ધાર્મિક મહત્વને બિરદાવતા સોમનાથ અમૃત મહોત્સવને રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વારસાનું પ્રતીક ગણાવ્યું હતું.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
આ અલૌકિક નજારાનો વિડીયો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પીએમ મોદી દ્વારા ક્રેન અને કલશની મદદથી જે રીતે શિખર પર જળ ચડાવવામાં આવ્યું તેની ભવ્યતા જોઈ શકાય છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.




