GUJRAT NEWS : ભારતીય સંસ્કૃતિ અને અતૂટ આસ્થાનું જીવંત પ્રતીક એટલે સોમનાથ મંદિર. 17 વખત વિદેશી આક્રમણકારોના ક્રૂર હુમલા અને લૂંટફાટ સહન કર્યા હોવા છતાં, દર વખતે રાખમાંથી બેઠા થતા ફિનિક્સ પક્ષીની જેમ સોમનાથ મંદિર પહેલા કરતા વધુ ભવ્ય રીતે ઊભું થયું છે. આજે જ્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારે ‘સોમનાથ અમૃત મહોત્સવ’ નિમિત્તે આપણે જાણીએ ગઝનવીના આક્રમણથી લઈને લોખંડી પુરુષ સરદાર પટેલના સંકલ્પ સુધીની સોમનાથની અજેય ગાથા…
મહમૂદ ગઝનવીએ ઈ.સ. ૧૦૦૦ થી ૧૦૨૭ દરમિયાન ભારત પર ૧૭ વાર આક્રમણ કર્યા હતા. તેનું સૌથી મોટું અને ૧૬મું આક્રમણ ઈ.સ. ૧૦૨૫-૨૬ માં સોમનાથ મંદિર પર થયું હતું. તેણે મંદિરનો ભવ્ય ખજાનો લૂંટ્યો અને શિવલિંગને નુકસાન પહોંચાડ્યું હતું. અન્ય આક્રમણકારો: ગઝનવી સિવાય પણ અન્ય શાસકોએ સોમનાથ પર હુમલા કર્યા હતા, જેમાં અલાઉદ્દીન ખીલજી (૧૨૯૯), ઝફર ખાન (૧૩૯૪), મહમૂદ બેગડો અને મુગલ બાદશાહ ઔરંગઝેબ (૧૭૦૬) મુખ્ય છે
પુનઃનિર્માણના શિલ્પી: સરદાર પટેલ
આઝાદી બાદ સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે લીધો હતો. 13 નવેમ્બર,1947ના રોજ તેમણે સોમનાથના સમુદ્રતટે ઊભા રહીને મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી. ગાંધીજીની ઈચ્છા મુજબ આ મંદિર સરકારી ખર્ચે નહીં પણ જનતાના ફાળાથી બનાવવામાં આવ્યું.
નેહરુ અને રાજેન્દ્ર પ્રસાદ વચ્ચેનો તે ઐતિહાસિક કિસ્સો
ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી, ત્યારે તે સમયના પીએમ જવાહરલાલ નેહરુ આ કાર્યક્રમની વિરુદ્ધમાં હતા. નેહરુ માનતા હતા કે સરકારે ધાર્મિક કાર્યોથી દૂર રહેવું જોઈએ, પરંતુ રાજેન્દ્ર પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે ભારત તમામ ધર્મોનું સન્માન કરે છે અને સોમનાથ એ ભારતનું ગૌરવ છે.
આજનું સોમનાથ અને અમૃત મહોત્સવ
આજે 11 મે, 2026ના રોજ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ પહોંચીને મહાપૂજા કરી છે. સોમનાથ ટ્રસ્ટના જણાવ્યા મુજબ, 1 ડિસેમ્બર ૧૯૯૫ના રોજ મંદિરનું કામ પૂર્ણતાના આરે હતું ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ તેને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું.
શા માટે ખાસ છે આ મંદિર?
ત્રણ પવિત્ર નદીઓ કપિલા, હિરણ અને સરસ્વતીના ત્રિવેણી સંગમ પર સ્થિત આ મંદિર સાતમા આધુનિક શિખરબદ્ધ સ્થાપત્ય તરીકે ઓળખાય છે. ‘વિનાશ સામે વિકાસનો વિજય’ એટલે સોમનાથ. સ્પર્ધાત્મક પરીક્ષાઓથી લઈને ધાર્મિક જિજ્ઞાસુઓ માટે સોમનાથનો ઈતિહાસ હંમેશા પ્રેરણારૂપ રહ્યો છે.




