Gujarat Ni Vaat

માત્ર સોમનાથ મંદિર જ નહીં : આસપાસના આ પૌરાણિક સ્થળો પણ છે જોવાલાયક……યાત્રાને યાદગાર બનાવવા નોંધી લો આ લિસ્ટ!

Share On :

SOMNATH NEWS : ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરવા એ દરેક શ્રદ્ધાળુનું સપનું હોય છે. પણ શું તમે જાણો છો કે સોમનાથની પવિત્ર ધરા પર માત્ર મુખ્ય મંદિર જ નહીં, પણ અન્ય એવા પૌરાણિક સ્થળો પણ છે જેનો ઇતિહાસ તમને આશ્ચર્યમાં મૂકી દેશે? જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ દેહત્યાગ કર્યો તે ભાલકા તીર્થ હોય કે ત્રણ નદીઓનો પવિત્ર ત્રિવેણી સંગમ – સોમનાથની આસપાસ ઘણું બધું જોવાલાયક છે. હાલમાં જ પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઉજવાયેલા ‘સોમનાથ અમૃત મહોત્સવ’ બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ સોમનાથ ઉમટી રહ્યા છે. જો તમે પણ સોમનાથ યાત્રાનો પ્લાન કરી રહ્યા હોવ, તો મંદિરના દર્શનની સાથે આસપાસના પૌરાણિક અને પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધા વગર તમારી યાત્રા અધૂરી ગણાશે.

યાત્રા દરમિયાન આ સ્થળો ક્યારેય ન ચૂકતા

ત્રિવેણી સંગમ મંદિરની નજીક જ કપિલા, હરણ અને સરસ્વતી નદીઓનો પવિત્ર સંગમ થાય છે. શ્રદ્ધાળુઓ અહીં પવિત્ર સ્નાન કરે છે. સાંજનો નજારો અહીં અત્યંત મનોહર હોય છે. ભાલકા તીર્થ આ એ ઐતિહાસિક અને આધ્યાત્મિક ભૂમિ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની દેહત્યાગ કરી હતી. શ્રીકૃષ્ણની વિશ્રામ મુદ્રાવાળી પ્રતિમા અહીં ભક્તોને ભાવવિભોર કરી દે છે. ગીતા મંદિર ત્રિવેણી સંગમ પાસે આવેલું આ મંદિર તેની અદભૂત સ્થાપત્યકલા માટે જાણીતું છે. તેની દીવાલો પર શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો અંકિત કરવામાં આવ્યા છે. પ્રભાસ પાટણ સંગ્રહાલય જો તમને ઇતિહાસમાં રસ હોય તો અહીં પ્રાચીન મંદિરના અવશેષો અને દુર્લભ શિલાલેખો જોઈ શકાય છે.

લાઈટ એન્ડ સાઉન્ડ શો મંદિરના પ્રાંગણમાં સાંજના સમયે થતો આ શો સોમનાથના ચઢાવ-ઉતારભર્યા ઇતિહાસને સદીઓ જૂની યાદ અપાવે છે, જેમાં મહાનાયક અમિતાભ બચ્ચનનો અવાજ ગૂંજે છે. સોમનાથ સમુદ્ર કિનાર અરબી સમુદ્રના મોજા અને સૂર્યાસ્તનો નજારો જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઊંટ સવારીનો આનંદ પણ માણી શકાય છે. પંચ પાંડવ ગુફા માન્યતા છે કે પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ દરમિયાન અહીં સમય વિતાવ્યો હતો. પહાડી પર સ્થિત હોવાથી અહીંથી આસપાસનો સુંદર નજારો દેખાય છે.

ક્યારે જવું?

સોમનાથની યાત્રા માટે ઓક્ટોબરથી માર્ચ મહિનાનો સમય સૌથી અનુકૂળ રહે છે. શિયાળામાં અહીંનું વાતાવરણ ખુશનુમા હોય છે. રેલવે માર્ગે આવતા મુસાફરો માટે વેરાવળ રેલવે સ્ટેશન સૌથી નજીકનું મથક છે, જે મંદિરથી માત્ર 7-8 કિલોમીટરના અંતરે આવેલું છે