GUJRAT NEWS : આવતીકાલે 7 મેના રોજ સમગ્ર વિશ્વમાં ‘વર્લ્ડ એથ્લેટિક્સ ડે’ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની થીમ ‘યુવાઓની ભાગીદારી, આરોગ્ય પ્રત્યે જાગૃતતા અને તંદુરસ્તીને પ્રોત્સાહન’ રાખવામાં આવી છે. ખાસ કરીને ‘કિડ્સ એથ્લેટિક્સ ડે’ના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે “પાવર ઑફ ફાઇવ” અભિયાન દ્વારા બાળકોને એથ્લેટિક્સ તરફ વાળવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અવસરે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે સર્જાયેલું સકારાત્મક પરિવર્તન વિશ્વ ફલક પર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
ગુજરાતમાં એથ્લેટિક્સનો નવો યુગ
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સરકાર દ્વારા રમતગમતને જે પ્રોત્સાહન મળ્યું છે તેનાથી રાજ્યમાં એથ્લેટિક્સ પ્રત્યે યુવાનોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં શરૂ કરાવેલા ‘ખેલ મહાકુંભ’ એ આજે વટવૃક્ષ બનીને ગ્રામ્ય વિસ્તારોમાંથી અદભૂત ટેલેન્ટ બહાર લાવવાનું કાર્ય કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા ઓળખાયેલા ખેલાડીઓ આજે એશિયન ગેમ્સ અને નેશનલ ચેમ્પિયનશિપમાં ડંકો વગાડી રહ્યા છે.

મેડલ્સની વર્ષા અને ઐતિહાસિક સિદ્ધિ
ગુજરાતના એથ્લેટિક્સ માટે ‘ગોલ્ડન યર’ સાબિત થયું છે. રાજ્યના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ કુલ 45 મેડલ મેળવીને ગુજરાતની ક્ષમતા પુરવાર કરી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ 11 પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લઈ ૫ મહત્વના મેડલ હાંસલ કર્યા છે, હાલમાં જ કર્ણાટક ખાતે યોજાયેલી 21મી નેશનલ જુનિયર અંડર-૨૦ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગુજરાતે બે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ખેલાડીઓ પૈકી રાહુલ જાખર અને કાજલ વાજા હોંગકોંગ ખાતે યોજાનારી ૨૨મી એશિયન ચેમ્પિયનશિપ અંડર-20 માટે ક્વોલિફાય થયા છે, જે ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તાલીમ સુવિધાઓ
ગુજરાત સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા રાજ્યભરમાં ખેલાડીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 80થી વધુ ‘ઈન સ્કૂલ’ સેન્ટર્સ કાર્યરત છે, નડિયાદ સ્થિત હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે ‘સ્પ્રિન્ટ’, ‘જમ્પ’ અને ‘થ્રોસ’ની વૈશ્વિક કક્ષાની તાલીમ આપવામાં આવે છે. અહીંના એક્સપર્ટ કોચ માર્ગદર્શન હેઠળ 40 થી વધુ યુવાનો સ્ટેટ, નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ તૈયારી કરી રહ્યા છે.

રાજ્ય સરકારનું યોગદાન અને ભવિષ્યની રણનીતિ
ગુજરાત સરકાર દ્વારા ખેલાડીઓને માત્ર તાલીમ જ નહીં, પરંતુ આર્થિક સહાય, સ્કોલરશિપ, ડાયેટ સપોર્ટ અને આધુનિક સ્પોર્ટ્સ સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જિલ્લા અને તાલુકા કક્ષાએ નવા સ્ટેડિયમ અને સિન્થેટિક રનિંગ ટ્રેક તૈયાર થવાથી ખેલાડીઓને સ્થાનિક સ્તરે જ વૈશ્વિક સુવિધાઓ મળી રહી છે. વર્લ્ડ એથ્લેટિક્સ ડેના આ પ્રસંગે ગુજરાતના યુવાનોને દોડવા, ઝઝૂમવા અને જીતવાની પ્રેરણા મળી રહેશે.




