Gujarat Ni Vaat

શું વટ્ટ છે…:સૌરાષ્ટ્રની કેરીનો અમેરિકામાં એવો પાવર કે કિંમત સાંભળીને અમીરો પણ ગજવું ચેક કરવા મજબૂર થયા!

Share On :

GUJRAT NEWS: ભારતમાં ઉનાળાની ઋતુની શાન અને સૌરાષ્ટ્રની ઓળખ સમાન વિશ્વપ્રસિદ્ધ ‘કેસર કેરી’એ હવે સાત સમુદ્ર પાર અમેરિકાના બજારોમાં પોતાનો અનોખો વટ જમાવ્યો છે. વોશિંગ્ટનના સિએટલ સહિત અમેરિકાના અનેક મોટા શહેરોમાં આ અઠવાડિયે ભારતીય કેસર કેરીની ભવ્ય એન્ટ્રી થઈ છે, જેને પગલે ત્યાં વસતા ભારતીય સમુદાય અને NRI પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી ભારતીય કેરી અમેરિકામાં માત્ર કેટલાક સીમિત અને ખાસ ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ પર જ મળતી હતી. પરંતુ આ વર્ષે ભારતીય કેરીએ અમેરિકાના વિશાળ રિટેલ સુપરસ્ટોર્સમાં પણ સત્તાવાર સ્થાન મેળવી લીધું છે. હવે સામાન્ય અમેરિકન ગ્રાહકો પણ આ ભારતીય મિઠાસનો સ્વાદ માણી શકશે.

ભાવની વાત કરીએ તો, અમેરિકાના સ્ટોર્સ અને વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતો અનુસાર, કેસર કેરીના માત્ર 4 નંગના એક પેકની કિંમત 19.99 ડોલર એટલે કે આશરે ₹1,919 રાખવામાં આવી છે. ભારતીય બજારના સંદર્ભમાં આ કિંમત ખૂબ જ વધારે છે, કારણ કે ભારતમાં ₹1,900માં આખા પરિવાર માટે ઘણા દિવસો સુધી ચાલે તેટલી કેરી ખરીદી શકાય છે. આ પ્રીમિયમ કિંમત સિએટલ, લિનવુડ, એડિસન અને નોર્થ બ્રન્સવિક જેવા તમામ અગ્રણી શહેરોના સ્ટોર્સમાં એકસમાન રાખવામાં આવી છે.

અમેરિકન બજારમાં ભારતીય ફળોના સપ્લાયને મોટા પાયે વધારવા માટે છેલ્લા એક વર્ષથી ભારત સરકાર દ્વારા સતત રાજદ્વારી પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં ભારત કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. દુનિયાભરમાં થતા કુલ કેરીના ઉત્પાદનનો આશરે અડધો હિસ્સો માત્ર ભારતમાંથી આવે છે. ભારતીય કેરીઓની ખાસ વેરાયટીઓ જેવી કે કેસર, અલ્ફાન્સો (હાફુસ), દશેરી અને લંગડા પોતાની અદ્ભુત મિઠાસ, અનન્ય સ્વાદ અને મનમોહક સુગંધ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે.